નવસારી : વિશ્વાસ અને વફાદારીનું બીજું નામ એટલે, શ્વાન. હાલના સમયમાં ઘરે ઘરે પાલતુ પ્રાણી તરીકે શ્વાને પરિવારના સભ્ય બની વિશેષ સ્થાન બનાવ્યું છે. ત્યારે નવસારી શહેરમાં 11મા નેશનલ ડોગ શોનું આયોજન કરાયુ હતુ, જેમાં ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી 25 થી વધુ જાતિના ડોગ આવ્યા હતા. આ ડોગ શો નવસારીના શ્વાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
નવસારીમાં યોજાયો 11 મો ડોગ શો : નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગુજરાત લેવલના ડોગ શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત 11 મા નેશનલ ડોગ શોમાં કુલ 120 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો છે. આ ડોગ શો આયોજીત વિવિધ સ્પર્ધાઓના દરેક વિભાગમાં પ્રથમ આવનાર શ્વાન અને તેમના માલિકને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
25થી વધુ પ્રજાતિના શ્વાન : આ ડોગ શોમાં અતિ દુર્લભ ગણાતા ડોગ બેલ્જિયન શેફર્ડ ગ્રોનેન્ડેલ, ન્યુ ફાઉન્ડલેન્ડ, બુવર્બલ, ગોલ્ડન રેડ ત્રિવર, જર્મન સેફર, કેન કોર્સો, ગ્રેટ ડેન, શિત્ઝુ, ફ્રેન્ચ બુલડોગ, પગ, ચાઉ ચાઉ, સાઇબેરીયન હસ્કી, મીની પોમ, સેબલ ફસકી, બોકસર, જેકલુસીસ તેરિયર, લેબ્રોડોગ અને લોટવેલર્સ જેવા 32 થી વધુ ડોગની એન્ટ્રીનો મેળાવડો જામ્યો હતો. આ ડોગ શોમાં 50 હજારથી 3 લાખની કિંમતના ડોગ જોવા લોકોની ભીડ જામી હતી.
વેટનરી ડોક્ટરોએ આપી ખાસ ટિપ્સ : આ ડોગ શોમાં આવેલા વેટનરી ડોક્ટરોએ શ્વાનની શારીરિક સંભાળ અને તેના ઉછેર માટે તેના માલિકને નિશુલ્ક માહિતી આપી હતી. સાથે જ તેમનું ગ્રૂમિંગ કઈ રીતે કરી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી. નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સફળતા પૂર્વક આ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જ્ઞાન અને પ્રેમની આપ-લેનું માધ્યમ : આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા શ્વાન પ્રેમીઓ જોડે વાત કરતા તેમણે પોતાનો અનુભવ ETV Bharat સાથે શેર કર્યો હતો. શ્વાને પ્રેમીઓએ જણાવ્યું કે, નવસારી ખાતે ડોગ શોનું આયોજન કરવામાં આવ્યુ તે ઘણું સરાહનીય છે. અહીં આવવાથી શ્વાન પ્રત્યેની ઘણી મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ શ્વાનની કાળજી અને તેના સ્વાસ્થ્યને લઈને કેવા પગલાં લેવા જોઈએ તે અહીં અલગ અલગ શ્વાનના માલિક સાથે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું છે.
વિવિધ ડોગ્સ માટે પણ ખાસ અવસર : ડોગ શોમાં ભાગ લેવાથી શ્વાનને પણ જીવનનો આનંદ માણવાનો મોકો મળે છે. વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા શ્વાનની સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં આવી છે. માનવ કરતા પણ જેના પર ઘરના રક્ષણની જવાબદારી મૂકી શકાય એવા શ્વાને માનવનો વિશ્વાસ જીતી લીધો છે. જેના કારણે આજે શ્વાન ઘણા ઘરમાં સદસ્ય તરીકે સામેલ થયા અને આત્મીય લાગણીઓ સાથે એક ઉત્તમ ઉદાહરણ બની ગયો છે.