અમદાવાદ:મૂળ સૌરાષ્ટ્રના પણ મુંબઈને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સર્જક અનિલ જોશી 85 વર્ષની ઉમરે મહાશિવરાત્રીના પર્વની સવારે નિધન પામ્યા છે. કાઠિયાવાડી મિજાજથી જીવેલા કવિ અનિલ એક ઉમદા સર્જક હતા. સર્જક અનિલ જોશીના નિધનથી ગુજરાતી કાવ્ય સાહિત્યને ખોટ પડશે. અનિલ જોશી 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા.
અદભુત સર્જક અનિલ જોશી શબ્દો થકી નવ વિશ્વ સર્જતા:અનિલ જોશી એક સર્જક પણ તેમના અનેક સર્જન કર્મ. અનિલ જોશી કવિ, ગીતકાર, નિબંધકાર અને પત્રકાર ચાર ક્ષેત્રમાં પોતાની સર્જન યાત્રાના મુસાફર રહ્યા. જેના થકી ગુજરાતી સાહિત્યને અનમોલ કૃતિ પદ્ય અને ગદ્યમાં પ્રાપ્ત થઈ છે. લેખન થકી વાચકો સુધી પહોંચવાનું કર્મ એમના માટે પ્રાણ કર્મ રહ્યું. 85 વર્ષના તેમના આયખામાં તેમના સર્જન અને વ્યક્તિત્વમાં કાઠિયાવાડી ખુમારી ઝળકતી. આજે પણ તેમના અમર સર્જન અમે બરફના પંખી અને કન્યા વિદાયના સર્જન ભાવકને અનેરી અનુભૂતિ કરાવે છે. અનિલ જોશીએ ગામઠી ભાવોને આધુનિક સ્પર્શ આપ્યો અને તેમના સર્જન ખરા અર્થમાં લોક ભોગ્ય બની રહ્યા. તેમનો જન્મ ચુસ્ત કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. છતાં તેમના સર્જનો માનવીય સંવેદના સભર રહ્યા છે.
PM મોદી પાઠવી શ્રદ્ધાંજલિ
અનિલ જોશીના નિધન પર પીએમ મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સોશિયલ મીડિયા એક્સ પર એક ભાવુક પોસ્ટ લખી છે. પીએમ મોદીએ પોતાની આ પોસ્ટમાં લખ્યું છે કે, ''ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર તથા સાહિત્ય રસિકોને સાંત્વના... ૐ શાંતિ...!!''
મહાત્મા ગાંધીની અસર અનિલ જોશી પર હંમેશા અંકિત રહી:સર્જક અનિલ જોશી પર આરંભથી મહાત્મા ગાંધીની અસર અંકિત રહી છે. જેના કારણે તેમના સર્જનમાં માનવ સનાતન ભાવ અને લાગણી પડઘાય છે. ૧૯૬૪માં અમદાવાદની H. K. કૉલેજથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે B.A થાય, ત્યાર બાદ હિંમતનગર અને અમરેલીમાં શિક્ષણ રહ્યાં. ૧૯૭૭થી તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેન્ગવેજ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર રહ્યા હતા. 1970 માં પ્રકાશિત કદાચ તેમનો પહેલો કાવ્ય સંગ્રહ ત્યાર બાદ 1981 માં તેમનો બહુ લોકપ્રિય કાવ્ય સંગ્રહ બરફના પંખી પ્રકાશિત થયો હતો. 1960 ના દાયકા દરમિયાન ગુજરાતી કાવ્યોમાં આધુનિકતા પ્રવેશેલી ત્યારના એ અદના સર્જક બની રહ્યા. ગીતોના સર્જનમાં અનિલ જોશી એ ભાવ, પ્રતીકો અને જીવન સંદર્ભ આપી પરંપરાગત ગીત શૈલીને આધુનિકતાનો વાઘો પહેરાવ્યો જે ખૂબ લોક પ્રિય થયા. ગીતોમાં ગામઠી તળપદા શબ્દો, માનવીય સંવેદના અને તળપદા લયને ઉમેરી આગવું સર્જન મૂવી પેઢીને ગ્રાહ્ય રહે એ રીતે કર્યું.
નહિ બોલાયેલા શબ્દો થકી જીવન અર્થને સમજાવતા સર્જક અનિલ જોશી: પદ્ય સ્વરૂપમાં કવિતા, વ્યંગ અને ગીતોમાં અનિલ જોશીનું સામર્થ્ય રહ્યું. તેમના કાવ્યસંગ્રહ બરફના પંખીને જયંત પાઠક પારિતોષિક મળ્યું હતુ. વર્ષ 2005 માં પ્રકાશિત રંગ સંગ કિરતાર માં વાચકને તેમના તરફથી ચિંતનાત્મક લેખો પ્રાપ્ત થાય છે. અનિલ જોશીએ જે વાર્તાઓ લખી એ અનિલ જોશીની વાર્તાઓ ના નામે પ્રકાશિત થઈ છે. અનિલ જોષીના જાણીતા નિબંધ સંગ્રહમાં ટોચ પર 1988 માં પ્રકાશિત સ્ટેચ્યૂ નિબંધ સંગ્રહ આવે. 1988 માં જ તેમનો બીજો નિબંધ સંગ્રહ પવનની વ્યાસપીઠ છે. તેમના અન્ય સર્જનમાં જળની જન્મોત્રી, ઓરાં આવો તો વાત કરીએ, ઊર્મિનો ઓછવ, બોલપેન, દિવસનું અંધારું મુખ્ય છે. જીવન સંધ્યા એ અનિલ જોશી એ વર્ષ 2023 માં પોતાની આત્મકથા ત્રાસડી ઉપાડી શેઠના નામે પ્રકાશિત કરી હતી. 1990 માં અનિલ જોશી ના સ્ટેચ્યૂ નિબંધ સંગ્રહને દિલ્હી ની સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. અનિલ જોશી 2010 માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા.
આ પણ વાંચો:
- મહાશિવરાત્રી પર શિવ નહીં શક્તિની થાય છે પૂજા, પાંડવો સાથે જોડાઈ છે આદિવાસીઓની આ અનોખી પરંપરા
- મહાશિવરાત્રીના પર્વે ભવનાથની ગીરી તળેટીમાં માનવ મહેરામણ, મહાદેવના દર્શન કરીને થયા ભાવ વિભોર