રાજકોટ: રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક આધારિત કર્મચારી સહિત ત્રણ શખ્સોએ 17 દસ્તાવેજોમાં ચેડાં કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી ખરાબાની જમીન ઉપરાંત યુએલસી ફાજલ જમીનમાં પ્રોપર્ટીકાર્ડમાં તેમજ હક્કપત્રકે નોંધ કરાવી લેવાના કૌભાંડમાં રાજકોટ જિલ્લા કલેકટર ઊંડાણપૂર્વકની તપાસના અંતે હજુ પણ અનેક મોટામાથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટ જિલ્લાના સબ રજીસ્ટાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડ મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ડી.જે. વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ ઝડપાયું (Etv Bharat Gujarat) ડી.જે. વસાવાએ જણાવ્યું હતું કે, 'વર્ષ 1972 પહેલાના હસ્ત લેખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપી અમારી પાસે હાર્ડ ડિસ્કમાં છે. ઓરિજનલ દસ્તાવેજ જે વર્ષો જુના છે તેને અમે ઉથલાવતા નથી. દસ્તાવેજ મામલે અમને શંકા જતા તપાસ કરવામા આવી હતી અને ફરિયાદ દાખલ કરવામા આવી છે. પ્રાથમિક તપાસમાં 17 જેટલા દસ્તાવેજમાં ચેડાં કરવાની માહિતી સામે આવી છે. આ મામલે કોન્ટ્રાકટ પર રહેલા કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.'
અન્ય શખ્સોની શોધખોળ શરૂ: રાજકોટ ઝોન 2ના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, કુલ 17 જૂના દસ્તાવેજોમાં છેડછાડ કરી કૌભાંડ આચર્યાનું ખુલતાં ફરિયાદીએ આપેલા ફરિયાદના 3 આરોપીઓ પૈકી એક આરોપી જયદિપ ઝાલાને સકંજામાં લઇ અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી સુપરવાઈઝર જયદિપના રિમાન્ડ મેળવવા અને કૌભાંડને લગતી સામગ્રી કબ્જે કરવા પ્રદ્યુમન નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.'
જુના દસ્તાવેજોનો નાશ કર્યો: તેમણે વધુમાં જણાવ્યું કે,'આરોપી હર્ષ સહેલીયા ઉર્ફ હર્ષ સોનીએ વકીલ કિશન ચાવડા અને સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી જયદિપ ઝાલા સાથે મળી જુના દસ્તાવેજોનો નાશ કરી કોમ્યુટરમાં રહેલી તેની કોપીમાં છેડછાડ કરી બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે પોલીસે હર્ષ સોનીના ભાડાના ફલેટમાં તપાસ કરતા બોગસ દસ્તાવેજો ઉભા કરવાની સામગ્રી મળી આવતા તે કબ્જે કરવામાં આવી છે. જેમાં કલેક્ટ્રર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટેમ્પ, સિલ્વર પેપર, ખોટા પેપર બનાવવા માટેના મશીન સહિતની ચીજવસ્તુજ કબ્જે કરવામાં આવી છે. છેલ્લા એકાદ વર્ષથી આ કારસ્તાન આ ત્રિપુટી ચલાવી રહી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. મુખ્ય સુત્રધાર કોણ છે એ હજુ સુધીની તપાસમાં સામે આવ્યું નથી. પરંતુ, ફરાર આરોપીઓ પકડાયા બાદ આ કૌભાંડમાં શું નવા ખુલાસા થશે. તે જોવું મહત્વનું રહેશે.'
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જમીન કૌભાંડિયા તત્વો દ્વારા સરકારી અને કિંમતી જમીન હડપવા તેમજ યુએલસી ફાજલ જમીન હડપવા માટે વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આવા શંકાસ્પદ દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન કરાવતા જમીન કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હજુ પણ અનેક જમીન કૌભાંડીયાઓના નામ બહાર આવે તેવી શક્યતા હોવાના સંકેતો મળી રહયા છે.
આ પણ વાંચો:
- બોટાદમાં કન્ટેનર ટ્રક ભરી દારૂ ઝડપાયો: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
- સુરતમાં 3 સગીરાની જાહેરમાં છેડતી: પોલીસે "સેક્સ મેનિયાક"ને દબોચ્યો