અમદાવાદ: શહેરમાં 1લી જાન્યુઆરી 2025થી એટલે કે, આજથી નવા વર્ષની શરૂઆતની સાથે એક નવો નિયમ પણ અમલમાં આવી રહ્યો છે. શહેરમાં ચાલતી તમામ રિક્ષાઓમાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે. જેને લઈને હાલમાં માથાકૂટ ચાલી રહી છે. આ મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ પીટીશન દાખલ કરવામાં આવી છે અને નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રિક્ષા ચાલકોને તથા સામાન્ય લોકોને મીટરથી કેટલો ફાયદો પહોંચશે કે પછી નુકસાન વેઠવાનો વારો આવશે? આ બાબતે ખાતરી મેળવવા માટે સામાન્ય લોકો તથા રિક્ષા ચાલકો સાથે ETV Bharatએ વાત કરી ત્યારે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી.
રિક્ષા ચાલકોમાં વિવિધ મત જોવા મળ્યા
આ બાબતે પ્રતિક્રિયા મેળવવા માટે અમે પહોંચ્યા ત્યારે રીક્ષા ચાલકોમાં મીટર અંગે વિવિધ પ્રકારના મતો જોવા મળ્યા. કેટલાક રિક્ષા ચાલકોનું કહેવું છે કે, સરકાર દ્વારા જે મીટર ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન યોગ્ય છે અને આ થવું જ જોઈએ પરંતુ સાથે સાથે શટલ રિક્ષા ચાલી રહી છે તે પણ બંધ થવી જોઈએ.
રિક્ષામાં 1લી જાન્યુઆરીથી મીટર ફરજિયાત (ETV Bharat Gujarat) ડિજિટલ મીટર સાથે ગ્રાહકો બેસવા તૈયાર નથી
અત્યારે હાલ રિક્ષાઓમાં બે પ્રકારના મીટરો આવે છે, એક ડિજિટલ મીટર અને સામાન્ય મીટર. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, ડિજિટલ મીટર કે જે નવી રિક્ષા લેતાની સાથે આવે છે તે મીટરમાં સિગ્નલ પર રિક્ષા ઉભી હોય તો પણ વેઇટિંગ ચાર્જ લગાડવામાં આવે છે. આથી ગ્રાહકો આ મીટર સાથે રિક્ષામાં બેસવા તૈયાર થતા નથી. તેથી અમારે અલગથી સામાન્ય મીટર લગાડવું પડે છે કે, જેમાં વેઇટિંગ ચાર્જ આવતો નથી.
રિક્ષા મીટરનું ભાવ પત્રક (ETV Bharat Gujarat) ઓનલાઇન બાઈક રાઇડના કારણે મોટું નુકસાન થાય છે
લાંબા સમયથી રિક્ષા ચલાવતા યોગેશભાઈ સોની જણાવે છે કે, અત્યારે હાલ ઓનલાઈન બુકિંગથી બાઈક રાઈડ પણ શરૂ કરવામાં આવી છે. આ બાઈક રાઈડના લીધે રિક્ષા ચાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શટલ રિક્ષા અને બાઈક રાઈડ બંધ કરવામાં આવે તો અમને રિક્ષામાં મીટર લગાડવાથી કોઈ વાંધો નથી. પરંતુ જો શટલ રિક્ષા બંધ ન થાય તો અમે મીટર પર રિક્ષા ચલાવી ના શકીએ.
ટૂંકી મુસાફરીમાં લોકો શટલ પસંદ કરે છે
કેટલાક સામાન્ય લોકો સાથે પણ વાત કરી ત્યારે તેમાં પણ વિવિધ મતો જોવા મળ્યા. કેટલાક લોકોએ જણાવ્યું કે, નાની મુસાફરી કરવી હોય એક બે કિલોમીટરનું અંતર કાપવું હોય તો શટલ રિક્ષા વધુ યોગ્ય છે. જ્યારે લાંબી મુસાફરીમાં મીટરથી જ યોગ્ય છે. રિક્ષામાં મુસાફરી કરતા પ્રિયાબેને જણાવ્યું કે, સરકાર દ્વારા જે ફરજીયાત મીટર લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે ખૂબ જ સરાહનીય છે. આથી રિક્ષા ચાલકો જે મન ફાવે તેવું ભાડું વસૂલ કરે છે તે હવે નહીં કરી શકે.
ડિજિટલ મીટરમાં ભાડું વધારે આવે છે
કેટલાક રિક્ષા ચાલકો દ્વારા એ પ્રકારની વાત કરવામાં આવી કે ડિજિટલ મીટરમાં રિક્ષા ઉભી હોય ત્યારે વેઇટિંગ ચાર્જ પણ ગણવામાં આવે છે. ત્યારે સામાન્ય મીટરની અંદર તે પ્રકારનું કોઈ ચાર્જ ગણવામાં આવતો નથી. આથી સામાન્ય લોકો ડિજિટલ મીટર કરતા સામાન્ય મીટરમાં બેસવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
ડિજિટલ મીટરમાં અને સામાન્ય મીટરમાં શું ફરક છે?
ડિજિટલ મીટર અને સામાન્ય મીટરમાં થોડોક જ ફર્ક છે, જે ડિજિટલ મીટર હોય છે તે નવી રીક્ષા લેવાની સાથે લગાડેલું આવે છે. જ્યારે સામાન્ય મીટર રિક્ષા ચાલકે પૈસા ખર્ચીને નાખવાનું રહે છે. ડિજિટલ મીટરમાં રિક્ષા સિગ્નલ પર કે બીજે ક્યાંય પણ ઉભી હોય તો વેઇટિંગ ચાર્જ ગણવામાં આવે છે. જ્યારે સામાન્ય મીટરની અંદર કોઈપણ પ્રકારનો વેઇટિંગ ચાર્જ ગણવામાં આવતો નથી. સામાન્ય મીટરમાં ભાડું ઓછું થવાથી લોકો સામાન્ય મીટરને વધુ પસંદ કરે છે. જ્યારે ડિજિટલ મીટરને લોકો નકારી રહ્યા છે.
કુલ ચાર પ્રકારના મત જોવા મળ્યા
ટૂંકમાં જો વાત કરવામાં આવે તો હાલ ચાર પ્રકારના મત જોવા મળી રહ્યા છે. એક શટલ રિક્ષા, બીજું ડિજિટલ મીટર વાળી રિક્ષા, ત્રીજું સામાન્ય મીટર વાળી રિક્ષા અને ચોથું ઓનલાઇન રાઈડ. મોટાભાગે લોકો ઓનલાઈન રાઈડ વધુ પસંદ કરે છે ત્યારે અન્ય રિક્ષાની વાત કરવામાં આવે તો નાની મુસાફરીમાં શટલ રિક્ષા અને લાંબી મુસાફરીમાં સામાન્ય મીટર વાળી રિક્ષા જ્યારે ડિજિટલ મીટર વાળી રિક્ષાને લોકો નકારી રહ્યા છે.
આ પણ વાંચો:
- અમદાવાદ-વડોદરાના રિક્ષા ચાલકોએ ખટખટાવ્યા હાઇકોર્ટના દ્વારઃ પોલીસની કાર્યવાહીને પડકારી
- અમદાવાદઃ પોલીસ પહોંચી 200થી વધુ ટપોરીઓ પાસે, જાણો 31st પહેલાની શું છે આ કાર્યવાહી