ગુજરાત

gujarat

જીવાદોરી સમાન કોઝવે ધોવાયો, જનતાની વેદના તંત્રના કાને ન પડતા કર્યો અનોખો વિરોધ - Rajkot Public Issue

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 8:55 PM IST

Updated : Jun 28, 2024, 1:54 PM IST

વરસાદને કારણે ઉપલેટા અને જામકંડોરણાના ગામડાઓને શહેર સાથે જોડતા કોઝવેનું ધોવાણ થઈ જતા રસ્તો બંધ થઈ ચૂક્યો છે. અનેક રજૂઆત તંત્રના કાને ન પડતા આખરે સ્થાનિકોએ એકત્ર થઈ રામધૂન બોલાવી રસ્તો પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.

જનતાએ કર્યો અનોખો વિરોધ
જનતાએ કર્યો અનોખો વિરોધ (ETV Bharat Reporter)

સ્થા નિકોએ એકત્ર થઈ રામધૂન બોલાવી રસ્તો પુનઃ શરૂ કરવાની માંગ કરી (ETV Bharat Reporter)

રાજકોટ : ઉપલેટા અને જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ઉપલેટાના ખીરસરા, ભાયાવદર, ઉપલેટા જવાના મુખ્ય માર્ગની મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઇ થયો છે. જેથી હાલ વાહનવ્યવહાર બંધ થતા લોકોને પડતી મુશ્કેલીઓથી લોકોમાં રોષ ફેલાયો હતો. આખરે સ્થળ પર બધાએ એકઠા થઈને રામધૂન બોલાવી અને સુત્રોચ્ચાર કર્યા છે.

જીવાદોરી સમાન કોઝવે ધોવાયો (ETV Bharat Reporter)

ધોરી નસ જેવો કોઝવે ધોવાયો :ઉપલેટાની મોજ નદી પર આવેલ પુલ જે ઉપલેટાના ખીરાસરા તથા જામકંડોરણાના ચિત્રાવડ ગામને જોડતો રસ્તો છે. અહિયાં ચિત્રાવડથી જામકંડોરણા અને રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે. આ બંને ગામો વચ્ચેના રસ્તામાં એક કોજવે છે, જે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ કોજવે દર વર્ષે ધોવાઈ જાય છે, ત્યારે તંત્ર દ્વારા દર વખતે માટી કામથી થૂંકના સાંધા જેવું કામ કરવામાં આવે છે. જેના પરિણામે દર વર્ષની જેમ વધુ વરસાદ પડે છે ત્યારે આ કોઝવેના ધોવાણ સાથે લાખો રૂપિયાનો વેડફાટ થાય છે. ઉપરાંત વાહન વ્યવહાર બંધ થઈ જાય છે.

બહેરા તંત્રએ રજૂઆત ન સાંભળી :આ રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર અને પરિવહન માટે વૈકલ્પિક રસ્તા માટે અંદાજિત વીસ કિલોમીટર ફરીને જવું પડે છે. આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા આ કોજવે વ્યવસ્થિત રીતે અને ઉચ્ચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પણ નિંભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, જેના પરિણામ સ્વરૂપે રાહદારીઓ અને વિધાર્થીઓને ચાલીને જવું હોય તો જીવના જોખમે અવરજવર કરવી પડી છે.

જીવના જોખમે આવનજાવન :અહિયાં જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંદાસરી, જામદાદર, મોજ ખીજડીયા, જામ થોરાડા, ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, બાલાપર, ખજુરડા જેવા ગામડાઓ તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવલા, ભાયાવદર, ખાખીજાળીયા, ખારચીયા, મોટીપાનેલી, ગીંગણી, સિદસર, જામજોધપુર ગામોથી સીધા રાજકોટ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. જેમાં આ કોજવે ખખડધજ હાલતમાં હતો અને ઉપરથી ધોવાણ થતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. બસ મારફતે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વીસ કિલોમીટર ફરીને જવું પડે છે. અથવા જીવના જોખમે લોકોને આ કોઝવે પસાર કરવો પડે છે.

અનોખું વિરોધ પ્રદર્શન :આ સમસ્યાને લઈને ચિત્રાવડ ગામ તથા આ કોઝવેને અસર કરતા ગામના લોકો, આગેવાનો, ખેડૂતો મોજ નદીના કોઝવે પર એકઠા થયા હતા. પોતાને પડતી તકલીફ અને મુશ્કેલીને લઈને ખખડધજ કોઝવે પર રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કોઝવેનો રસ્તો ખખડધજ હાલતમાં છે, તેથી મજબૂત કોઝવે બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

  1. રાજકોટ જીલ્લામાં મેઘમહેર, ઉપલેટા પંથકના ધરતીપુત્રોમાં આનંદનો માહોલ - rainfall in rajkot
  2. ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા એક વર્ષથી ઠાલવાયેલ કાટમાળ અંગે બેદરકારી, મહિલાઓ રણચંડી બની
Last Updated : Jun 28, 2024, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details