અમદાવાદ :આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય અને મતદારો મુક્ત, ન્યાયી અને નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે જરુરી સૂચના અને માર્ગદર્શન આપ્યા છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ EVM-VVPAT નું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
મતદાન જાગૃતિ માટે આયોજન :અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન 30 સેન્ટરો પર પર 82,363 જેટલા લોકોએ EVM-VVPAT નું નિદર્શન નિહાળ્યું હતું. જેમાંથી 78,432 જેટલા લોકોએ EVM-VVPAT નિદર્શન સ્થળે મોક વોટ આપીને પ્રત્યક્ષ નિદર્શનનો લાભ લીધો હતો.
EVM-VVPAT નિદર્શન : અમદાવાદ શહેરમાં કલેક્ટર કચેરી સહિત જિલ્લાના કુલ 21 વિધાનસભા ક્ષેત્રોમાં આવેલ ચૂંટણી અધિકારીની કચેરીમાં EVM-VVPAT નું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દરેક જગ્યાએ ત્રણ જેટલા કર્મચારીઓ દ્વારા ત્યાં આવતા લોકોને EVM-VVPAT માં મતદાન કેવી રીતે કરવું તે અંગે ડેમોસ્ટ્રેશન સાથે સુંદર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેન્દ્રો પર સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા. જ્યાં લોકો સેલ્ફી લેવાની સાથે સાથે મતદાન માટે જાગૃત પણ થયા હતા.
ટેકનોલોજી થકી જાગૃતિ : અમદાવાદ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકોને આવરી લઇ 21 મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાહન (MDV) દ્વારા 1969 જેટલા સ્થળોએ ફરીને EVM-VVPAT અંગે માહિતી પૂરી પાડી હતી. જે વિસ્તારમાં મતદાન ઓછું થતું હોય તેવા વિસ્તારમાં મતદાન વધારવાના ભાગરૂપે ત્રણ LED વાહનોમાં મોટી સ્ક્રીન પર EVM-VVPAT ના વિડિયો દર્શાવીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા છે. આ ત્રણ LED વાહનો પૈકી 2 વાહનો મહિલાઓ, યુવાનો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરતા યુવાનો વાળા શહેરી વિસ્તાર અને મોલ્સ કે જ્યાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. એક LED વાહન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે.
દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહન :દિવ્યાંગ મતદારો પણ પોતાના મતનો ઉપયોગ કરીને આપણી લોકશાહી શાસન વ્યવસ્થામાં સહભાગી બની લોકતંત્રને વધુ મજબૂત બનાવી શકે એ માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ આયોજન કરાયું હતું. અમદાવાદ અંધજન મંડળ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં PWD મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આજના સોશિયલ મીડિયાના સમયમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા મતદારોને અપીલ કરવા પ્રોત્સાહન આપવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા અમદાવાદમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Lok Sabha Election 2024 : લોકતંત્રના પર્વને મનાવવા તંત્ર તૈયાર, EVM અને VVPAT લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન
- Model Code Of Conduct: આદર્શ આચાર સંહિતા શું છે? આજથી આખા દેશમાં લાગૂ થશે, જાણો નિયમો અને શરતો