અમદાવાદ: સિંગર પરફોર્મર હિમાલી વ્યાસ નાયકની સાથે ગરબે રમવા માત્ર અમદાવાદીઓ જ નહીં. દુનિયાભરના ગુજરાતીઓ તૈયાર છે. શહેરના નવજીવનના કર્મા કેફે ખાતે તેમની પ્રિ-નવરાત્રી વર્લ્ડ ટુર અને ચિંતન નાયકે લખેલ અને રથીન મહેતાએ સ્વરબદ્ધ કરેલ ‘નવખંડ ગરબો’ની લોન્ચિંગ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં આગામી નવરાત્રીનું હિમાલી વ્યાસ નાયકનું શેડ્યુલ પણ જાહેર કરાયું છે.
હિમાલી વ્યાસ નાયક 4 દેશોની પ્રિ-નવરાત્રિ ટૂર કરશે: માત્ર અમદાવાદીઓ જ નહીં યુરોપના 4 દેશોની પ્રિ-નવરાત્રિ ટૂર દરમ્યાન પણ હિમાલી વ્યાસ નાયક દરિયાપારના ગરબા પ્રેમીઓને ગરબે રમાડશે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમ્યાન હું જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને પોર્ટુગલના ગરબા પ્રવાસે જવાની છું. જ્યાં 2 વિકેન્ડમાં ધમાકેદાર 4 શો કરીશ. પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનમાં દરિયાપારના ગુજરાતીઓને ગરબે રમાડ્યા પછી હું તરત જ પોતાના હોમટાઉન અમદાવાદ આવવવાની છું અને 3થી 12 ઓક્ટોબર દરમ્યાન અમદાવાદીઓને રાસ, ડાકલા, દોઢીયું અને દેશી ગરબાની મોજ કરાવીશ.
સિંગર 450 ગરબા મોઢે ગાય છે: આ ગુજ્જુ ગર્લ આજે પણ 450 ગરબા મોઢે ગાય છે અને ગરબાને ગ્લોબલ લેવલે લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2015 અને 2017માં એકમાત્ર ગુજરાતી આર્ટિસ્ટ હિમાલીએ અમેરિકાનું નેશનલ એન્થમ અમેરિકાની ધરતી પર પરફોર્મ કરેલું છે. હિમાલીએ ઉસ્તાદો સાથે પરફોર્મ કર્યું છે. તેમણે કૃષ્ણ મોહન ભટ્ટ, શાન, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ અને આશિત દેસાઈ જેવા સિનિયર કલાકારો સાથે પોતાની નિપૂણતા રજુ કરી છે. આર્ટ અને એજ્યુકેશનનું મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવતા હિમાલીને તેના દાદા અને માતા-પિતા પાસેથી સંગીત વારસામાં મળ્યું છે. આ અંગે વાત કરતા હિમાલી વ્યાસ નાયકે કહ્યું કે, આપણો ગરબો ગ્લોબલ લેવલે એટલે કે 4 દેશોમાં રજૂ કરવાની મને તક મળી છે. 'જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' ની વાત ગરબા થકી વહેતી કરવાનો આનંદ છે. આ વર્લ્ડ ટૂર પછી નવરાત્રીમાં અમદાવાદમાં પણ ગરબાની મોજ કરાવીશ.