સોમનાથ: ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીના જન્મોત્સવની ઉજવણી પરંપરાગત રીતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. સનાતન ધર્મની પરંપરા અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ધનવંતરી જયંતી નિમિત્તે અભિજીત મુહૂર્તમાં ટ્રસ્ટના અધિકારીઓ અને ભાવિકોએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને આવનારુ વર્ષ સમગ્ર ભારતવર્ષ માટે સર્વને નિરામય રહે અને આયુષ્ય સારું રહે તે માટે પ્રાર્થના કરાઈ હતી.
સોમનાથ મંદિરમાં ધનવંતરી જયંતીની ઉજવણી:ધનતેરસનો દિવસ એ આયુર્વેદના પિતામહ ભગવાન ધનવંતરીનો પ્રાગટ્ય દિવસ છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ પરંપરાગત રીતે ધનવંતરી જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મધ્યાને અભિજીત મુહૂર્તમાં ભગવાન ધનવંતરીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને મંદિરમાં દર્શન માટે આવેલા શિવ ભક્તોએ ધનવંતરી જયંતી નિમિત્તે આયોજિત યજ્ઞ અને પૂજા વિધિમાં ભાગ લઈને ધનવંતરી જયંતીની ઉજવણી શિવ સમીપે કરી હતી.