ભુજની બજારમાં આવી રાખડીઓની અવનવી વેરાઈટીઓ (Etv Bharat Reporter) ભુજઃ ગુજરાતમાં આમ તો દરેક તહેવાર ઉત્સાહથી ઉજવાય છે. ચાલુ વર્ષે પણ તહેવારો માટે લોકોની તત્પરતા જોવા મળી રહી છે. આગામી સમયે રક્ષાબંધન તહેવારને લઈને બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓની ડિમાન્ડ સાથે બહેનો પોતાના ભાઈના કાંડે કઈ રાખડી શોભશે તેને લઈને સતત બજારમાં જોવા મળી રહી છે. આ તરફ રાખડી બજારોમાં પણ ડિમાન્ડ પ્રમાણે વેપારીઓ પણ વેપાર કરવા માટે તત્પર બન્યા છે. ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણેની રાખડીઓ ઉપલબ્ધ થાય તે તેમના માટે પ્રાધાન્ય બન્યું છે.
રુદ્રાક્ષની રાખડીની માગ હજુ પણ અકબંધ
19 ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનો ઉત્સાહભેર ઉજવશે. રક્ષાબંધનને લઈને બહેનો પોતના લાડલા ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે. હાલમાં ભુજની બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચાવવા માટે આવી ગઈ છે. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્રાક્ષની રાખડીઓની માગ પણ વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
નવી ડિઝાઇનની અને વેરાયટીવાળી રાખડીઓ
રક્ષાબંધનના પર્વ પર બહેનને પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધવા માટે બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો બજારમાં જોવા મળી રહ્યા છે. બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદે તેના માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટીવાળી રાખડીઓ જોવા મળતી હોય છે.
છેલ્લા છેલ્લા દિવસોમાં ખરીદી માટે ભીડ વધુ ઉમટે
આમ તો રક્ષાબંધનના 15થી 20 દિવસ પહેલા માર્કેટમાં અનેક દુકાનો અને લારીઓ પર રાખડીઓ વેચાણ માટે આવી જતી હોય છે. આ વર્ષે રાખડીઓનો જથ્થાબંધ વેપાર કરતાં વેપારી પરેશભાઈ ઠકકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીની રાખડીઓની ખરીદીમાં મોટા ભાગે ગામડાંના લોકો ખરીદી કરી ગયા છે. આગામી સમયમાં શહેરી વિસ્તારના લોકો જ્યારે રક્ષાબંધનને 2થી 3 દિવસ બાકી હોય છે ત્યારે ખરીદી માટેની ભીડ જામતી હોય છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રહેતો હોવાથી સમયસર લોકો રાખડીઓ ખરીદી કરવા લાગ્યા છે. જેથી કરીને છેલ્લી ઘડીએ પરિવહનમાં મુશ્કેલીઓનો સામનો કરીને ખરીદી માટે દોડવું પડે નહીં.
બજારમાં અવનવી વેરાયટીઓ
બજારમાં ઓમકાર વાળી, સ્વસ્તિક વાળી, રુદ્રાક્ષ વાળી, તિરંગા વાળી, સ્ટોન વાળી, મોતી વાળી, ડાયમંડ વાળી નાના બાળકો માટે લાઇટ વાળી અને કાર્ટૂન કેરેક્ટર વાળી, ગૂંથણ વાળી, Super brother, છોટા ભાઈ, બડા ભાઈ, વીરા, મેટલ વાળી એમ અનેક પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે. તો આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ સબંધિત મોરપીંછ અને માખણ ભરેલી મટકી દર્શાવતી તેમજ જય શ્રી રામ લખેલી રાખડીઓની નવી વેરાયટી જોવા મળી રહી છે.
2 રૂપિયાથી 300 રૂપિયા સુધીની રાખડી
બજારમાં રાખડીઓના ભાવની વાત કરવામાં આવે તો, 2 રૂપિયાથી કરીને 300 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. લાલ દોરાથી સજેલી રાખડીઓ વધારે જોવા મળે છે જેમાં વિવિધ સ્ટોન, મોટી, ઓમકાર, સ્ટોન વગેરે જોવા મળે છે. જ્યારે સોના ચાંદીના વેપારીઓ પાસે ચાંદીની રાખડીઓ પણ જોવા મળે છે, જેનો ટ્રેન્ડ છેલ્લાં એક બે વર્ષથી વધ્યો છે. આ ઉપરાંત અલગ-અલગ રંગો અને ડાયમંડમાંથી પણ રંગબેરંગી રાખડીઓ બનાવવામાં આવતી હોય છે.
ભાઈ બહેનનો પ્રેમ અમૂલ્ય
ભાઈઓની સાથે સાથે બહેનો ભાઈની પત્ની એટલે કે ભાભીને પણ રાખડી બાંધતી હોય છે ત્યારે ભાભી માટેની રાખડીઓની પણ અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. આમ તો રાખડીઓની કિંમત તો તહેવારનો ભાગ છે પરંતુ ભાઈ બહેનનો પ્રેમ અને તેની ઉજવણીનો ઉત્સાહ તો અમૂલ્ય છે.