હુમલાના કેસના આરોપીઓને ધોરાજી કોર્ટે સજા ફટકારી રાજકોટ :ઉપલેટા તાલુકાના મેરવદર ગામ ખાતે મોટર રીવાઇડીંગની દુકાનમાં વર્ષ 2021 માં મારામારીનો એક બનાવ બન્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિ પર છરી, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરી ગંભીર રીતે માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેમાં ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે આરોપી સામે IPC કલમ 307, 324, 326, 506(2), 455, 114 તેમજ G.P. એકટ 135 મુજબની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
મેરવદરમાં મારામારીનો બનાવ :ઉપલેટાના મેરવદર ગામમાં બનેલા આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. આ સમગ્ર બાબતનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. આ કોર્ટમાં ચાલતા કેસમાં ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખે આરોપી સાજીદ દાઉદ પટ્ટા, દિલાવર અનવર બુકેરા, વૈકુંઠ ચંદુ ચૌહાણ અને દિલાવર કાસમ વિસળને તકસીરવાન જાહેર કર્યા હતા. ચારેય આરોપીઓને IPC કલમ 307, 324, 326, 34 ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
ચાર આરોપી વિરુદ્ધ કેસ :આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં મોટર રીવાઇડીંગનો વ્યવસાય કરતા વ્યક્તિ પોતાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની દુકાનમાં ત્રણ વ્યક્તિ ધસી આવ્યા અને તેમના ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદી પર લોખંડના પાઇપ અને છરી વડે ઘાતક હુમલો થતા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત અને ફરિયાદી અલ્તાફ અલીસા સર્વદિએ ભાયાવદર પોલીસ મથકમાં કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવમાં સામેલ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ધોરાજી કોર્ટનો ચુકાદો :આ કોર્ટ કેસ અંગેની માહિતી આપતા ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જણાવ્યું કે, ઉપલેટા તાલુકાના મેરવદર ગામે એક વ્યક્તિ પર હુમલાની ઘટના બની હતી. જે અંગે ભાયાવદર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સેશન્સ કોર્ટે આ બનાવમાં ચાર વ્યક્તિઓને તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
ગુજરાત હાઈકોર્ટનું સૂચન :કાર્તિકેય પારેખે વધુમાં જણાવ્યું કે, મારામારીના આ બનાવ બાદ એવી પણ હકીકત સામે આવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે બારોબાર સમાધાન થયું હતું. સમાધાનની પ્રક્રિયા માટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટેની ક્રોસીંગ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં ચાલેલી આ મેટરમાં જણાવાયું હતું કે, IPC 302, 307, પોક્સો એક્ટ કોઈ વ્યક્તિગત ક્રાઈમ નથી. પણ આ પ્રકારના ગુનાઓ માનવતા સામેના ગુનાઓ છે. તેવી હકીકત નોંધીને ગુજરાત હાઈકોર્ટે દાખલ કરવામાં આવેલ પિટિશન વિડ્રોઅલ કરવા માટે સૂચન કર્યું હતું.
- Rajkot Crime : ધોરાજી સેસન્સ કોર્ટે પોકસો કેસ આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો
- Rajkot Crime: ઉપલેટાની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ધોરાજી સેસન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા