ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે નગરપાલિકા દ્વારા દબાણ હટાવ અભિયાન શરૂ કરાયું છે. મંદિરની આજુબાજુ રોડ પર કરવામાં આવેલા દબાણો નગરપાલિકા દ્વારા હટાવી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. તો મંદિરની સામે આવેલા ગોમતી ઘાટ પરના દબાણો પણ દૂર કરાયા છે. નગરપાલિકાની દબાણ હટાવ કામગીરીને લોકો આવકારી રહ્યા છે, પરંતુ હજી બાકીના અનેક દબાણો હટાવાય તેવી માંગ કરાઈ રહી છે. સાથે જ નગરપાલિકા દ્વારા ગોમતીઘાટથી દબાણ દૂર કરાયા છે, તો ગોમતી તળાવની પણ સ્વચ્છતા કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
ડાકોરમાં દબાણો હટાવાયા (ETV BHARAT GUJARAT) ડાકોર નગરપાલિકા દ્વારા તાજેતરમાં પોલિસ બંદોબસ્ત સાથે રણછોડરાયજી મંદિર આજુબાજુ રોડ પર કરવામાં આવેલા અનેક કાચા અને મકાન સહિતના પાકા દબાણો દૂર કરાયા છે. રોડ પર અવરજવરમાં અડચણરૂપ લારી, ગલ્લા, કેબિનો તેમજ દુકાનોના ઓટલા હટાવી રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.
ડાકોરમાં દબાણો હટાવાયા (ETV BHARAT GUJARAT) રસ્તા ખુલ્લા થતા ટ્રાફીક સમસ્યાથી રાહત
રસ્તા પર ઠેર ઠેર દબાણો કરી દેવાતા રસ્તા સાંકડા થઈ ગયા હતા. જેને કારણે ટ્રાફીકની સમસ્યા વિકટ બની હતી. ડાકોર આવનારા યાત્રિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નગરપાલિકાની દબાણ હટાવ કામગીરીને કારણે આ સમસ્યામાંથી હવે રાહત મળશે. જો કે નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ ચાલુ રખાય અને બાકી રહેલા અન્ય દબાણો પણ દૂર કરાય તેમજ રસ્તાઓ પર ફરી દબાણો ન થાય તેવી કામગીરી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
ડાકોરમાં દબાણો હટાવાયા (ETV BHARAT GUJARAT) ગોમતી તળાવની પણ સ્વચ્છતા થાય તેવી માગ
રણછોડરાયજી મંદિર સામે આવેલા પવિત્ર ગોમતી તળાવના ઘાટ પર પણ વેપારીઓ દ્વારા અનેક દબાણો કરવામાં આવ્યા હતા. જે તમામ દબાણો દૂર કરી ગોમતી ઘાટ ખુલ્લો કરાયો છે. ગોમતી તળાવમાં ઠેર ઠેર ગંદકી ફેલાયેલી છે. તેમજ સમગ્ર તળાવ પર જંગલી વનસ્પતિ ફેલાયેલી છે. ત્યારે ગોમતી તળાવની સફાઈને નગરપાલિકા દ્વારા અવગણવામાં આવી છે. જેને લઈ તળાવની સફાઈ માટે પણ ધ્યાન આપવાની જરૂર છે, તેમ યાત્રિકો અને નગરજનો જણાવી રહ્યા છે.
ડાકોરમાં દબાણો હટાવાયા (ETV BHARAT GUJARAT) બાકી રહેલા દબાણો પણ હટાવાય : સ્થાનિક
આ બાબતે ડાકોરના સ્થાનિક જીતુભાઈ સેવકે જણાવ્યું હતું કે, ડાકોર મંદિરના નાના દરવાજાથી લક્ષ્મીજી તરફના રોડ પર અસંખ્ય દબાણો હતા. જેના કારણે યાત્રિકોને ઘણી તકલીફ પડતી હતી. ખરેખર આ દબાણો હટાવવા જોઈતા હતા તે દબાણો હાલમાં હટ્યા છે, પરંતુ જોવા જઈએ તો ડાકોર નગરપાલિકા જ્યારે જ્યારે દબાણની કામગીરી કરે છે ત્યારે ફક્ત ને ફક્ત ગોમતી ઘાટને ટાર્ગેટ કરે છે. ખરેખર જ્યાં જ્યાં દબાણો હટાવવાના હતા. મુખ્ય પ્રશ્ન મંદિરના દરવાજાથી લક્ષ્મીજી તરફનો હતો. ત્યાં આજની તારીખમાં પણ દબાણ વાળા બેઠેલા જ છે. જેની કોઈપણ કામગીરી કરવામાં નથી આવી.
ગોમતી તળાવમાંથી ગંદકી (ETV BHARAT GUJARAT) તળાવની સફાઈ કરવી જોઈએ : યાત્રિક
ડાકોર દર્શન માટે આંધ્રપ્રદેશથી આવેલા શ્રદ્ધાળુ સત્યમે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશથી આવ્યા છે. વર્ષમાં બે વાર અહીં આવીએ છીએ. ભગવાનના દર્શન કરવા સાથે શ્રીકૃષ્ણ ભગવાનનું ડાકોરનું તળાવ છે જેને જોવા આવીએ છીએ. તળાવમાં જુઓ તો વનસ્પતિ ઉગી નીકળી છે સફાઈ કરવી જોઈએ, પાણી સ્વચ્છ કરવું જોઈએ.
ડાકોરમાં દબાણો હટાવાયા (ETV BHARAT GUJARAT) આગામી સમયમાં પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહેશે : ચીફ ઓફીસર
આ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, ડાકોર નગરપાલિકા વિસ્તારમાં અવરજવરમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હજી આગામી સમયમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. ગોમતી ઘાટ પરના દબાણો પણ દૂર કરાયા છે. તેમજ જો ફરી વેપારીઓ દ્વારા દબાણ કરાશે તો કાર્યવાહી કરાશે.
ડાકોર રણછોડજી મંદિર (ETV BHARAT GUJARAT) - હથેળી અને બાવડાના બળે તૈયાર થાય છે પ્રિય 'ભાવનગરી ગાંઠિયા', જાણો રેસિપી...
- કચ્છ: સોશિયલ મીડિયામાં ગુલાબી રંગના ફ્લેમિંગોનો વીડિયો વાયરલ, જુઓ Etv ભારતે કર્યું ફેક્ટ ચેક