બાંગ્લાદેશ :ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ બાંગ્લાદેશ હાઈકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં બાંગ્લાદેશી સંસ્કૃતિ અને સમાજ પર ભારતીય મીડિયાના પ્રભાવ પર વધતી જતી ચિંતાઓને ટાંકીને દેશમાં ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.
કોણે કરી અરજી ?સોમવારના રોજ બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરનાર એડવોકેટ એખલાસ ઉદ્દીન ભુયાએ કેબલ ટેલિવિઝન નેટવર્ક ઓપરેશન એક્ટ, 2006 હેઠળ ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ આપવા માંગ કરી છે.
ઢાકા ટ્રિબ્યુન અનુસાર અરજીમાં પૂછવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ શા માટે જારી કરવામાં ન આવે. અરજીની સુનાવણી હાઈકોર્ટના જસ્ટિસ ફાતિમા નજીબ અને જસ્ટિસ સિકદર મહમુદુર રાઝીની બેન્ચમાં થઈ શકે છે. અરજીમાં માહિતી અને ગૃહ મંત્રાલયના સચિવો, બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન (BTRC) અને અન્યને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવા માંગ :ઢાકા ટ્રિબ્યુન અનુસાર આ અરજીમાં સ્ટાર જલસા, સ્ટાર પ્લસ, ઝી બાંગ્લા, રિપબ્લિક બાંગ્લા અને અન્ય તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભારતીય ચેનલો પર ભડકાઉ સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશી સંસ્કૃતિનો વિરોધ કરતી સામગ્રીનું અનિયંત્રિત પ્રસારણ યુવાનોને બરબાદ કરી રહ્યું છે. વધુમાં, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ચેનલો કોઈપણ નિયમનનું પાલન કર્યા વિના કામ કરે છે.
બાંગ્લાદેશમાં વધતા હિંસક હુમલા :નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી જૂથો સામે હિંસક હુમલામાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે વધુ સુરક્ષા અને સમર્થનની માંગણી થઈ છે. બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો સામે હિંસા વધી રહી છે. મંદિરોને તોડી પાડવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
રાજદ્રોહના આરોપમાં પૂર્વ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ 27 નવેમ્બરના રોજ, ચિત્તાગોંગ કોર્ટ બિલ્ડીંગ વિસ્તારમાં પોલીસ અને દાસના કથિત અનુયાયીઓ વચ્ચેની અથડામણ દરમિયાન એક વકીલનું પણ મોત થયું હતું. જેના કારણે તણાવ વધુ વધી ગયો હતો. ભારતે બાંગ્લાદેશની સ્થિતિ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણ માટે પગલાં ભરવા વિનંતી કરી છે.
- બાંગ્લાદેશ સરકારના સલાહકારે ભારત પર કર્યો ગંભીર આક્ષેપ
- બાંગ્લાદેશ લોકશાહી કે અરાજકતા તરફ જઈ રહ્યું છે?