5 શખ્સ ઝડપાયા અને 104 ગુનાનો ભેદ ઉકેલાયો દાહોદ :રાજ્યમાં 104 જેટલા ઘરફોડ-ચોરીના ગુના આચરનાર 5 આરોપીને દાહોદ LCB એ ધાવડિયા ચોકડી પાસેથી દબોચી લીધા છે. પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપેલા આરોપીઓ પાસેથી રુપિયા 5.62 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા ચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર માનતા ઇસમો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ શહેરમાં ઘરફોડ-ચોરીને અંજામ આપી ચુક્યા છે.
વોન્ટેડ આરોપીઓ : આ અંગે મળતી માહિતી અનુસાર દાહોદ પોલીસને આરોપીઓ અંગે બાતમી મળી હતી. જે અનુસાર ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામના ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ક્રુઝર ગાડીમાં આરોપીઓ આવ્યા હતા. જેમાં કાળુભાઈ ઉર્ફે કાળિયો પાર્સિંગભાઈ બિલવાલ અને શંકરભાઈ મલસિંગભાઈ દહમાં પાસેથી શંકાસ્પદ લોખંડના સળિયા મળી આવ્યા હતા. જ્યારે વધુ તપાસ કરતા બીજા આરોપી જોરસીંગભાઈ રાઠોડ, પરશુભાઈ ભીલાભાઇ બિલવાલ અને પ્રતીક કલાભાઈ બીલવાલ પાસેથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.
લાખોની કિંમતના ઘરેણાં : પોલીસે પૂછપરછ કરતા આરોપીએ તમામ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં 104 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ સિવાય ચારેય આરોપીઓ 34 થી વધુ ગુનામાં વોન્ટેડ અને 10 હજારના ઈનામી હોવાનું કબૂલ્યું હતું. આરોપીઓ પાસેથી ગળામાં પહેરવાનો સેટ, માથાના કપાળના ભાગે ટિકો, નથણી, ચેઈન, વીંટી, બુટ્ટીની જોડ, પેચ અને પેન્ડલ જેવા સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 5.62 લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.
104 ગુનાનો ભેદ ઉકેલાયો : પકડાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર એવા કાળુભાઈ ઉર્ફે કાળીયો પાર્સિંગભાઈ બિલવાલ અને તેના ચારેય સાથીદારો વિરુદ્ધ ગાંધીનગર, મોરબી, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, અમદાવાદ, પંચમહાલ, ગોધરા, અમદાવાદ ગ્રામ્ય, રણધીકપુર દેવગઢ બારીયા, વડોદરા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, વડોદરા ગ્રામ્ય, આણંદ અને ગોધરામાં કુલ 94 ગુના નોંધાયા છે. જ્યારે આરોપીઓએ મધ્યપ્રદેશના ભાભરા પોલીસ ચોકી હદ વિસ્તાર અને રાજસ્થાનના ડુંગરપુર કોટવાલી પોલીસ સ્ટેશન મથકના હદમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ રાજસ્થાનમાં 9, મધ્યપ્રદેશમાં 1 અને ગુજરાતમાં 94 થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યા છે.
પોલીસ કાર્યવાહી : દાહોદ જિલ્લામાં સંજેલી ગામે એક સાથે 6થી 7 ઘરોમાં તાળા તૂટ્યા હતા. જેના સંદર્ભે એક આરોપી રિતેશની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન આખી ગેંગનો પર્દાફાશ થયો હતો. શંકર દહમા ગેંગના આરોપીઓમાં કાળુભાઈ ઉર્ફે કાળિયો પાર્સિંગભાઈ બિલવાલ, શંકરભાઈ મલસિંગભાઈ દહમાં, કાળુભાઈ ઉર્ફે કાણિયો જોરસીંગભાઈ રાઠોડ, પરશુભાઈ ભીલાભાઈ બિલવાલ અને પરથી ઉર્ફે પ્રતીક કલાભાઈ બીલવાલ સંડોવાયેલા છે. આ તમામ આરોપીને ઝડપી પાડી દાહોદ એલસીબી ટીમ દ્વારા 70 જેટલા અનડીટેકટ ઘરફોડ ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે.
- Dahod Crime News: ખાનગી બસમાં ડ્રાઈવર અને કંડકટરે મહિલા સાથે 2 વાર કર્યો બળાત્કાર, બંને ઝડપાયા
- Dahod Crime : સાયબર ગઠીયાઓ બેફામ, જુદી જુદી ઘટનાઓના પાંચ આરોપીઓને ઝડપી લેતી દાહોદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ