ગુજરાત

gujarat

ETV Bharat / state

હત્યારા પતિને મળી આજીવન કેદની સજા, સમગ્ર કેસ જાણી ચોંકી જશો - DAMAN CRIME

દાદરાનગર હવેલીમાં વર્ષ 2022માં પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ, તે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપી પતિને સેલવાસ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

હત્યાનો ગુનેગાર પતિ
હત્યાનો ગુનેગાર પતિ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 12:11 PM IST

દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આરોપી પતિએ પ્રથમ પત્નીની હત્યા કરી અને બાદમાં તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

શું બન્યું હતું તે દિવસે ?આ કેસ અંગેની વિગતો જોઈએ તો 16 ઓક્ટોબર, 2022 ના રોજ દાદરાનગર હવેલીના નરોલી ગામમાં દીપક વિશ્રામ યાદવ નામના વ્યક્તિએ નરોલી પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી કે, તેમની 20 વર્ષીય પત્ની મોનિકા દેવીએ તેના ભાડાના રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

ઘરમાં મળ્યો મહિલાનો મૃતદેહ :આ ફરિયાદ મળતા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં પડેલો જોવા મળ્યો હતો. મોનિકા દેવીના ગળામાં પીળા કપડાનો ફાંસો બાંધેલો હતો. ગળા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સેલવાસ મોકલવામાં આવ્યો હતો.

PM રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો :પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોનિકા દેવીનું મૃત્યુ ગળું દબાવવાથી અને શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ માટે સેમ્પલને FSL માં મોકલાવ્યા હતા. આ ઘટનામાં મૃતક મોનિકા દેવીના કાકા મદનસિંહ લખનસિંહ યાદવની ફરિયાદ આધારે, પોલીસે મૃતકના પતિ દીપક વિરુદ્ધ સેલવાસ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પતિએ હત્યા કરી આત્મહત્યામાં ખપાવી :પોલીસ તપાસ દરમિયાન દીપકે કબુલાત કરી હતી કે, 16 ઓક્ટોબરની સાંજે 8:30 વાગ્યે પત્ની મોનિકાને ટેલિફોન પર સગાંઓ સાથે વાતચીત કરવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન ગુસ્સામાં તેણે પત્નીનું ગળું દબાવી દીધું હતું. આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે ગળે પીળું કપડું બાંધી દીધું હતું.

આજીવન કેદની સજા :આ કેસની તપાસ કરતી સેલવાસ પોલીસે ચાર્જશીટ અને જરૂરી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં સેલવાસ કોર્ટમાં સરકાર પક્ષે એડવોકેટ નિપુણા એમ. રાઠોડે દલીલ કરી અને કોર્ટના માનનીય જજ એસ. એસ. સાપટનેકરે ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી દિપક વિશ્રામ યાદવને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી અને સાથે જ રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા સંભળાવી હતી.

  1. સુરતના પતિ-પત્નીના મૃતદેહ મળ્યા બાદ ચોંકાવનારો ખુલાસો
  2. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા, જાણો સમગ્ર માહિતી

ABOUT THE AUTHOR

...view details