રાજકોટ:જિલ્લાના પારડી PGVCL કચેરી ખાતે કર્મચારીની નિવૃત્તિ તેમ જ અન્ય સારી કામગીરીને લઈ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન જાથા દ્વારા ચાલુ નોકરી દરમિયાન આ કથા ન થઈ શકે એમ કહીને તેનો વિરોધ કરીને કથા બંધ કરાવી હોવાનો આક્ષેપ થયો છે. જેની સામે વિજ્ઞાન જાથાએ કથા કર્મચારીઓ દ્વારા બંધ કરવામાં આવી હોવાનું કહેવાયું છે. હવે આ વિવાદમાં બ્રહ્મ સમાજમાં પણ આ બાબતે નારાજ હોવાનું દેખાઈ રહ્યું છે.
સત્યનારાયણની કથા બંધ કરાવી: રાજકોટની પારડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો ગરમાયો છે. જેમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં જયંત પંડ્યા વિરોધ રોષ ફેલાયો છે. કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં અનેક ટીકા ટિપ્પણી કરી હતી. આ કથા બંધ કરાવવા બાબતે જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી.
સ્ટાફ કથામાં મશગુલ: જયંત પંડ્યાએ જણાવ્યું કે, લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મશગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાન જાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી. કથા બંધ કરવાનો નિર્ણય ડેપ્યુટી એન્જિનિયર ત્રાંબડીયા અને તેના પરિવારે લીધો છે. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રાવલ આ સ્ટંટ કરે છે.