ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના ખેતરો પર ફરી વળ્યા દૂષિત પાણી, ધારાસભ્યએ રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોને આપી હૈયાધારણ - Patan Farmer Issue - PATAN FARMER ISSUE

પાટણ શહેરના માખણીયા પરા વિસ્તારના ખેતરોમાં ભૂગર્ભના દૂષિત પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ આ મામલે ધારાસભ્યને રજૂઆત કરી, આથી ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી હતી. બીજી તરફ નુકસાનના વળતર મામલે નગરપાલિકાએ હકારાત્મકતા દર્શાવી ખેડૂતોને દૂષિત પાણીના નિકાલની હૈયાધારણ આપી છે.

પાટણના ખેતરો પર ફરી વળ્યા દૂષિત પાણી
પાટણના ખેતરો પર ફરી વળ્યા દૂષિત પાણી (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 5:14 PM IST

પાટણના ખેતરો પર ફરી વળ્યા દૂષિત પાણી (ETV Bharat Reporter)

પાટણ : ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની હાલત કફોડી છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણીયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરોમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવર-જવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયા છે.

પાટણના ખેડૂતોની સમસ્યા :આ બાબતની જાણ માખણીયા પરા વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને કરી હતી. જે અન્વયે ગુરૂવારના રોજ ધારાસભ્યે રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટ્રેક્ટરમાં બેસીને ભૂગર્ભ પાણીથી ભરાયેલા ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર બોડાત અને એન્જિનિયર કિર્તીભાઈ પટેલને બોલાવી તેમની પાસે પણ સ્થિતિનું નિરીક્ષણ કરાવ્યું હતું.

ધારાસભ્યે કરી સ્થળ મુલાકાત :માખણીયા પરાના ખેડૂતોની સમસ્યાને લઈ પાટણ ધારાસભ્યે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પાલિકાના અણઘડ વહીવટને કારણે ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સાથે જ ધારાસભ્યે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માટે જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ખેડૂતોને વળતર મળી રહે અને આ ભૂગર્ભ ગટરના પાણી ખેતરમાં આવતા બંધ થાય તે દિશામાં નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું.

નગરપાલિકા તંત્રનો ખુલાસો :આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકા દ્વારા શહેરની ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણીયા તળાવમાં ટ્રીટ કરીને ઠાલવવામાં આવે છે. જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ચોમાસાના સમયમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોય અને પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે માખણીયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોય છે. જેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

નુકસાનનું વળતર મળશે ?સરકારી ધારાધોરણ મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર નગરપાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે. સાથે જ માખણીયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપલાઇન મારફતે GUDC ને કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. માખણીયા વિસ્તારમાં સર્જાતી ભૂગર્ભના પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

નિરાકરણની ખાતરી મળી :પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના મામલે પાટણના ધારાસભ્યે કરાયેલી રજૂઆતના પગલે સ્થળ પર દોડી આવેલા અધિકારીઓએ ખેડૂતોના પાકના નુકસાનના વળતર પેટે તેમજ ખેતરોમાં ફરી વળેલા દૂષિત પાણી મામલે નિરાકરણની ખાતરી આપતા ખેડૂતોએ પાટણના ધારાસભ્યની ખેડૂત હિતમાં કરેલી રજૂઆત અને કામગીરીને સરાહનીય લેખાવી હતી.

  1. પાટણની મહિલાના મોતના બનાસકાંઠામાં રાવળ સમાજે કરી તપાસની માંગ
  2. મુખ્યમંત્રીએ સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય કામગીરીનું કર્યું નિરીક્ષણ

ABOUT THE AUTHOR

...view details