આરોપી બિનીત કોટિયાનું પર કોંગ્રેસ કાર્યકરે શાહી ફેંકી વડોદરા :હરણી તળાવ દુર્ઘટનામાં જવાબદાર આરોપીઓ પર ચારે તરફથી ફટકાર વરસી રહી છે. ત્યારે આરોપી બિનીત કોટિયા પર રોષ ઠાલવતા કોંગ્રેસ કાર્યકરે શાહી ફેંકી હતી. પોલીસ જાપ્તા સાથે બિનીત કોટીયાને કોર્ટમાં હાજર કર્યો ત્યારે આ ઘટના બની હતી. 18 જાન્યુઆરીના કાળા દિવસે વડોદરા હરણી તળાવમાં સર્જાયેલ દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો.
આરોપી બિનીતનું મોં કાળું થયું : હરણી તળાવ દુર્ઘટનાના આરોપી કોટિયા મેનેજમેન્ટના સંચાલક બિનીત કોટિયાને કોર્ટમાં હાજર કરવા લવાયો હતો. જ્યાં આરોપી લોકોના રોષનો ભોગ બન્યો હતો. કોર્ટમાંથી પોલીસ જાપ્તામાં બહાર નીકળતા જ યુથ કોંગ્રેસના કુલદીપ વાઘેલા દ્વારા આરોપી બિનીત પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. અહીં ઉપસ્થિત પોલીસકર્મીઓએ કુલદીપ વાઘેલાની અટકાયત કરી હતી. નોંધનીય છે કે, કુલદીપસિંહ વાઘેલા પ્રમુખ તરીકે યુથ કોંગ્રેસની કમાન સંભાળે છે.
શાહી ફેંકનાર કોણ ?આરોપી પર શાહી ફેંકનાર કુલદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હરણી તળાવમાં થયેલી દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટ અને તેના ભાગીદારો જવાબદાર છે, તેથી જ આ બેજવાબદાર ભાગીદારોની નિષ્કાળજી સામે વિરોધ દર્શાવવા માટે શાહી ફેંકી છે. વધુમાં કુલદિપસિંહે પોતાની અટકાયત લોકશાહીમાં કલંકરૂપ હોવાનું જણાવી વિરોધ કર્યો છે. આ દેશમાં લોકશાહી ક્યાં ? જ્યાં વિરોધ પ્રદર્શન થાય ત્યાં અટકાયત ? તેવા આક્ષેપ પણ કર્યો હતો.
મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ :વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના મોત મામલે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મેયર પિન્કીબેન સોની, ડે.મેયર, મ્યુનિસિપલ કમિશનર અને તમામ કોર્પોરેટરોએ શ્રદ્ધાંજલિ આપી હતી. 2 મિનિટના મૌન બાદ સભા મોકૂફ રખાઈ હતી.
- Harni Lake Tragedy : 14 મોતનો જવાબદાર મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો
- Harani Lake Accident: ગોઝારા નાવ અકસ્માતમાં નાની બહેનનું મૃત્યુ થતાં મોટી બહેન શોકગ્રસ્ત