રાજકોટ: મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર વહેચી નાખ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે. આમ કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મનપા કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, મનપાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. આ સમયે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
રાજકોટ મનપા વિરોધ પક્ષે આક્ષેપ કર્યા:રાજકોટ મનપા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના શાસકો કાયમ પોલીસને આગળ કરે છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે, અત્યારસુધી ઘણા બધા કૌભાંડો થયા પરંતુ હવે સ્મશાનના લાકડાઓને તો છોડો. મનપા શાસકોને મૃત્યુ બાદ સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશ્રરને દેવાંગ દેસાઈને રજૂઆત કરી હતી કે આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ જે કોઈ દોષિત હોય તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.