અમદાવાદ: ગુજરાતમાં આ વખતે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને આ જ દિવસ સુધી કેટલા ગામોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે, આ મામલે સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવી છે અને જો સરકાર આ ખેડૂતોની વેદના નહીં સમજે અને લીલો દુષ્કાળ જાહેર નહીં કરે તો રસ્તા પર આવી આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે.
વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ખેડૂત પુત્ર તરીકે મારો અનુભવ છે કે, દિવાળીમાં કોઈ દિવસ ૪ ઇંચ વરસાદ ન હોય ! ખેડૂતનો પાક પાકી ગયો છે અને પાક તરતો હોય એવી નુકસાની આ ખેડૂતોને વેઠવી પડી રહી છે. ખેડૂતોની સ્થિતિ આવા સમયમાં ખૂબ જ ખરાબ છે, સરકાર સુધી કેમ ખેડૂતોની આ વાત પહોંચતી નથી તે સમજાતું નથી. વધુમાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે, કુદરત શું કરે એ કોઈના કંટ્રોલમાં નથી, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત થઈ અને 2020 માં બંધ કરી દેવામાં આવી હતી.
કોંગ્રેસની લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ:વધુમાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા, ત્યારે ફસલ વીમા યોજનાની જાહેરાત કરી પણ એક પણ રૂપિયો ખેડુતોને મળ્યો નથી. ત્યારે ખેડૂતોને કહું છું કે, આંધળો પ્રેમ કયા સુધી કરશો. જે સરકાર અત્યાર સુધી તમારી સામે જોતી નથી, ખેડૂતો બરબાદી તરફ જતા હોય અને સરકાર જાગે નહીં ત્યારે ક્યાર સુધી બેસી રહેવું? સરકારનું ધ્યાન ખેંચવું છે કે કયા સુધી આમ ચાલશે ? ખેડૂતો માટે રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ ઉતારીશું, સરકાર બેફામ ખર્ચા કરી રહી છે. પણ ખેડૂતોને કેમ કઈ મળતું નથી, 143 ટકા વરસાદ પડ્યો છે ત્યારે લીલો દુકાળ જાહેર કરવો જ જોઈએ. ગામડે અને તાલુકા સ્તરે જઈને આંદોલન કરવા અમે તૈયાર છીએ. ખેડૂતો ભીખ નથી માંગી રહ્યા તેવું જણાવ્યું હતું.
NCRB મુજબ ખેડૂતોની આત્મહત્યામાં 11 % વધારો:પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટેની ફકત વાતો કરવામાં આવે છે. ખેડૂતોની આત્મહત્યામાં NCRB મુજબ 11 ટકા આત્મહત્યામાં વધારો થયો છે. બીજેપીના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી થઇ છે. અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, સરકારની નીતિ ફળતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે. ખેડૂતોની જમીન છીનવીને ઉદ્યોગપતિઓને જમીન આપવાનો કારસો સરકાર દ્વારા ચાલી રહ્યો છે. તેમ આક્ષેપો કર્યા છે. વધુમાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યના 68 તાલુકામાં 140 થી વધુ ટકા વધુ વરસાદ થયો છે. ત્યારે સરકાર દ્વારા સર્વેના નામે ફક્ત નાટક કરવામાં આવી રહ્યું છે. સરકારની સર્વે કરવાની સિસ્ટમ જ ખોટી છે તેમ જણાવીને આક્ષેપ કર્યા છે.