ખેડા: BZ ગ્રુપના મહાકૌભાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. હજારો રોકાણકારોએ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં કરોડો રૂપિયા રોક્યા છે. લાલચમાં ફસાયેલા રોકાણકારોને હવે રોવાનો વારો આવ્યો છે. ત્યારે આવી જ લોમામણી લાલચમાં આવી રૂપિયા ગુમાવનાર કપડવંજ તાલુકાના એક રોકાણકાર દ્વારા ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘઉંઆ કાણીયેલના મુવાડાના કમલેશ ચૌહાણે BZ ગ્રુપની સ્કીમમાં રૂપિયા રોક્યા હતા. જેમાં તે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરવા બાબતે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ મયુર દરજી વિરૂદ્ધ ગાંધીનગર CID ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવાઈ છે. એજન્ટ મયુર દરજી દ્વારા કમલેશ ચૌહાણને બીઝેડ ફાયનાન્સિયલ સર્વિસમાં રૂ.10,000 રોકાણ કરાવ્યા હતા. જે રોકાણ કર્યા અંગેનો એગ્રીમેન્ટ નહીં આપવા તેમજ રૂપિયા પરત ન આપી લાલચો આપી છેતરપિંડી કરવા બાબતે ફરિયાદ નોંધાવાઈ છે.
લોભામણી લાલચો આપી હતી
સ્કીમમાં રૂપિયા રોકાણ કરાવવા માટે બીઝેડના એજન્ટ મયુર દરજીએ માસિક 3 ટકા વ્યાજ તથા વાર્ષિક અથવા ફિક્સ FD પર વાર્ષિક 48 ટકા તથા બે વર્ષ માટે રોકાણ કરો તો 120 ટકા જેટલું ઉંચુ વળતરની લાલચ આપી હતી.જે બાદ કમલેશ ચૌહાણના રૂ.10,000 તેમજ મિનેષ પ્રજાપતિને રૂ.2,00,000 નું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરવા બાબતનું કંપની તરફથી એગ્રીમેન્ટ આપવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. તેમજ 'તમે તમારા હાથ નીચે કોઈપણ રોકાણકાર પાસેથી રોકાણ કરાવશો તો 1 ટકા કમિશન' આપવાનું પણ જણાવ્યુ હતું.