રાજકોટ: જિલ્લામાં છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. જ્યાં સ્વામી અને તેમના મળતીયાઓ કોઈ પણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરવી છે તેવું કહેતા હતા. જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા. તેઓ ધંધાર્થીને કહેતા કે 'જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી.' અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્વામીના મળતીયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી સોદો નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા હોય છે. અને ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લા તલ્લા કરતા હતા.
કોનો કોની વિરુદ્ધ નોંધાવ્યો ગુનો: આ તમામ છેતરપિંડીની જાણ થતાં આવી જ રીતે ફસાયેલા જિલ્લામાં જમીન-મકાનનું કામ કરતા જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢકએ જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 3.40 કરોડની છેતરપીંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આમ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધવાઈ છે.