અમદાવાદ: આજથી શરૂ થનાર ધોરણ-10 અને 12ની પરીક્ષાઓને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 15.39 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
15.39 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:ધોરણ-10ની પરીક્ષા આજથી શરૂ થશે અને 22 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ 10ની પરીક્ષા માટે 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે. 84 ઝોનમાં 981 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. જે માટે 3184 શાળાઓ અને 31829 બ્લોકમાં પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ તથા ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.
પરીક્ષા ખંડમાં સ્માર્ટ ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્માર્ટ વોચ, મોબાઇલ, સ્માર્ટ કેલ્ક્યુલેટર, બ્લુટુથ સહિતના ગેજેટ્સ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી લઈ જઈ શકશે નહીં. પેપર પરીક્ષા કેન્દ્ર અને વર્ગખંડ સુધી સીલ બંધ રીતે પહોંચે તે માટે બોર્ડ દ્વારા પાટા એપ્લિકેશનથી ટ્રેસ કરવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી સર્વેલન્સ પણ ગોઠવવામાં આવ્યું છે. - ડી.એસ. પટેલ, ડેપ્યુટી ચેરમેન, શિક્ષણ બોર્ડ
ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા: શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ ગેરરીતિ ન કરે તે માટે 80 જેટલી સ્કવોર્ડ ટીમની રચના કરી છે. આ ટીમો પરીક્ષા વખતે જુદા જુદા સેન્ટરો અને ખાસ કરીને સંવદેનશીલ તથા અતિસંવદનશીલ 666 કેન્દ્રો પર નજર રાખશે. ઉપરાંત બોર્ડ દ્વારા 5 જેટલી ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સ્થાનિક 25-25 સ્કવોર્ડ મુકવામાં આવી છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે.
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તાર માટે અનોખી પહેલ:અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 262 પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપની લીંકની એક PDF બનાવીને તમામ શાળાઓને આપવામાં આવી છે. આ PDF માં તમામ પરીક્ષા કેન્દ્રોના ગૂગલ લોકેશનની લિંક સહિત પરીક્ષા કેન્દ્ર નંબર, બિલ્ડિંગ નંબર, પરીક્ષા સ્થળનું નામ, સ્થળ સંચાલકનું નામ અને તેમના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. જેથી અમદાવાદ ગ્રામ્યના વિદ્યાર્થીઓ વાલીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.