ઉપલેટામાં પરીક્ષાર્થીઓને પંચામૃત પ્રસાદી આપીને આવકાર્યા રાજકોટ :આજે 11 માર્ચ, સોમવારથી ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારની ગભરાહટ કે ડર ન રહે તે માટે ઉપલેટા શહેરની વી.પી. ગેટીયા સ્કૂલે અનોખી પહેલ કરી હતી. શાળા સંચાલન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચામૃતથી વિદ્યાર્થીઓનું ચોકલેટ ખવડાવી સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ પણ સરસ્વતી દેવીને પુષ્પ અર્પણ કરી શાળામાં પ્રવેશ કર્યો હતો.
આજથી SSC બોર્ડ પરીક્ષા શરૂ : રાજકોટ જિલ્લામાં ધોરાજી ઝોન હેઠળના આઠ કેન્દ્રો પર ધોરણ 10 ના 9000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરાજી ઝોન હેઠળ ભાયાવદર, ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા, વીરપુર, મોટી પાનેલી અને અમરનગરના કેન્દ્રનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે પરીક્ષા શરૂ થતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનો ઉમંગ અને ઉત્સાહ વધારવા સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી.
રાજ્યમાં 9 લાખ પરીક્ષાર્થી : વર્ષ 2024 ની ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ થયો છે. SSC બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રાજ્યમાં કુલ 9 લાખ 17 હજાર વિદ્યાર્થીઓ વર્ષ 2024 ની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપશે.
ગેરરીતિ રોકવા પૂર્ણ આયોજન : પરીક્ષા કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ ગેરરીતિ કરતા પકડાશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગેરરીતિ કરતા પરીક્ષાર્થીઓ સામે પણ પગલાં ભરવામાં આવશે. પરીક્ષા દરમિયાન નિયમ પ્રમાણે વિદ્યાર્થી, સ્થળ સંચાલક, નિરીક્ષક સહિત પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓની બેદરકારી બદલ સજાની જોગવાઈ અંગે શાળા સંચાલનને પણ અવગત કરાયું હતું.
યોગ્ય સુરક્ષા વ્યવસ્થા :પરીક્ષાને લઈને રાજ્યના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત ખડે પગે રહેશે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય રહીને પરીક્ષા આપે તે માટે યોગ્ય આયોજન છે.
મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત : પ્રથમ દિવસે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી આદર્શ કેળવણી મંડળ ઉપલેટા સંચાલિત વી.પી. ઘેટીયા હાઈસ્કૂલ ખાતે શાળા મંડળ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Class 10 12 Board Exams: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ, 15.39 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
- Patan Exam: બેસ્ટ ઓફ લક, આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા, પાટણ જિલ્લામાં 30,573 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે