ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ હાઈકમાન્ડે CM નિવાસસ્થાને રાજપૂત આગેવાનો સાથે બેઠક કરી, પરસોતમ રૂપાલા આજે ફોર્મ ભરશે કે નહીં ? - Rupala Ticket Controversy

રૂપાલાની ટીકીટ રદ કરવાની ક્ષત્રિય સમાજની સતત માંગણીના કારણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના ક્ષત્રિય આગેવાનો, સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો હેતુ વિવાદનો અંત લાવવા અને યોગ્ય નિરાકરણ લાવવાનો હતો.

Rupala Ticket Controversy
Rupala Ticket Controversy

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 7:24 AM IST

Updated : Apr 16, 2024, 11:36 AM IST

ગાંધીનગર: ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સતત માંગણી કરી રહ્યો છે. આ વિવાદનો અંત લાવવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચકક્ષાની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંકલન સમિતિના આગેવાનો રૂપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માંગણી પર અડગ રહ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ભાજપ હાઇકમાન્ડ શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.

રૂપાલાએ ત્રણ વાર માફી માંગી: ભાજપ પ્રદેશ હાય કમાન્ડ, ભાજપ ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો વચ્ચે થયેલી બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક બાદ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, ગઈકાલના મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયો હતો. ગોતા રાજપુત ભવન ખાતે સોમવારે રાત્રે અમારી કોર કમિટીની મીટીંગ હતી. મિટિંગમાં પાર્ટ ટુ ની તૈયારી કરવા અંગે ચર્ચા થઈ હતી. બાદમાં અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં કોર કમિટીના સભ્યો પણ હતા. મિટિંગમાં અમારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ વાર માફી માંગી લીધી છે. સમાજ મોટુ મન રાખે. રાજપુત સમાજે ખૂબ સંયમ રાખ્યો છે. સરકારે પણ સહયોગ આપ્યો છે ત્યારે રાજપુત આગેવાનોએ એકસુરે કહ્યું કે, અમારી એક જ માંગણી છે. રૂપાલાની ટિકિટ રદ કરો એ સિવાય અમારી કોઈ માંગણી નથી. ક્ષત્રિય સમાજની લાગણી દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડવાની ભાજપ પ્રદેશ નેતાઓએ ખાતરી આપી છે.

રૂપાલાની ઉમેદવારી ચાલુ રહેશે તો જોવા વાળી થશે: કરણસિંહે વધુમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજની એક જ માંગણી છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી અને સમાધાન કરવામાં આવશે પણ નહીં. ક્ષત્રિય સમાજની મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે, રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય ક્ષત્રિય સમાજને કશું જોઈતુ નથી. ભાજપ પ્રદેશ મોવડી મંડળે ક્ષત્રિય સમાજની લાગણી કેન્દ્રીય હાઈ કમાન્ડ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. રૂપાલાની ટિકિટ રદ થયા સિવાય ક્ષત્રિય સમાજ કોઈપણ પ્રકારનું સમાધાન નહી કરે. પુરુષોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહેશે તો ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ કરશે. આ પાર્ટ ટુ માં જે જિલ્લાઓમાં સંમેલન યોજાવાના બાકી છે તે જિલ્લામાં સંમેલન યોજવામાં આવશે. મતદારોને જાગૃત કરવામાં આવશે. સો ટકા સુધી મતદાન કરવામાં આવશે. ભાજપની સભામાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું.

સમાધાનને કોઈ અવકાશ નથી: તૃપ્તિબા રાઓલે જણાવ્યું કે, રૂપાલાએ બહેનો દીકરીઓ અંગે ટિપ્પણી કરી હોવાથી માફીનો કોઈ સવાલ નથી. અમે ભૂતકાળમાં રાજા રજવાડાઓ આપતા આવ્યા છીએ. આ વખતે અમારું સ્ટેન્ડ ક્લિયર છે. માફીની કોઈ વાત જ નથી. આ વાત કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી લઈ જવામાં આવશે. બહેનો દીકરીઓની અસ્મિતાની વાત થાય ત્યારે સમાધાનને કોઈ અવકાશ નથી.

બેઠકમાં હાજર સંકલન સમિતિના આગેવાનો: મુખ્યમંત્રી નિવાસ્થાને હાઈ લેવલની બેઠકમાં સંકલન સમિતિના રમજુબા જાડેજા, તૃપ્તિબા રાઉલ, સુખદેવસિંહ વાઘેલા, પીટી જાડેજા, કરણસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા, વાસુદેવસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સંકલન સમિતિના આગેવાનો 11 ગાડીઓ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ્થાને પહોંચ્યા હતા.

ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે પ્રદેશ મોવડી મંડળે કરી મીટીંગ: સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરતા પહેલા ભાજપ પ્રદેશ હાઈ કમાન્ડે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે મીટીંગ કરી હતી. આ મિટિંગમાં આંદોલનને સમાપ્ત કરવા માટે સંકલન સમિતિના આગેવાનોને સમજાવવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી. પ્રદીપસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ રીબડા બેઠકમાં હાજર રહ્યા હતા.

આજે ઉમેદવારીનું ફોર્મ ભરશે રૂપાલા: રાજકોટ લોકસભા બેઠક પરથી 16 એપ્રિલ મંગળવારના રોજ રુપાલા પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરશે. જોકે તે પહેલાં ક્ષત્રિય આંદોલનને સમેટવા માટે ગુજરાત ભાજપના દિગ્ગજોએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સોમવાર મોડી રાતથી બેઠકોનો ધમધમાટ શરુ કર્યો હતો. ક્ષત્રિય આંદોલન પૂર્ણ કરવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધબારણે ચર્ચા: રૂપાલા જ્યારે લોકસભાની રાજકોટ બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા ડેમેજ કંટ્રોલ કરવાનો સૌથી મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ સાથે બંધબારણે ચર્ચા કરી હતી.

ગોતા રાજપૂત સમાજ ભવનમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી: જ્યારે બીજી તરફ ગોતામાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જે બાદ સંકલન સમિતિના આગેવાનો પણ મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પ્રદેશ અધ્યક્ષ પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંધબારણે મીટીંગ કરી હતી. પ્રદેશ મોવડી મંડળે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને આંદોલનનો સુખદ નિવેડો લાવવા જણાવ્યું હતું.

પરસોતમ રૂપાલા આજે ફોર્મ ભરશે કે નહીં? સસ્પેન્સ યથાવત: આ બેઠકો એટલા માટે પણ મહત્વની બની રહેવાની છે કે મંગળવારે રુપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા જંગી જનસભાને સંબોધશે. જે માટે રાજકોટમાં અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રુપાલા આ જનસભા રાજકોટના બહુમાળી ચોક ખાતે સંબોધિત કરશે. ત્યાર બાદ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ-શો પણ કરશે. રૂપાલા ફોર્મ ભરશે કે નહીં તે મુદ્દે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે.

  1. વોટની સાથે નોટ પણ માંગતા મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર - Mehsana congress candidate
  2. ગોંડલના ક્ષત્રિય યુવાને પોરબંદરમાં આ શું કહ્યું ? મનસુખ માંડવિયાના લોકસભા ઉમેદવારી ફોર્મ ભરવામાં અનોખો પ્રયોગ - Porbandar Lok Sabha Seat
Last Updated : Apr 16, 2024, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details