નવસારી:આઝાદી કાળથી અસ્તિત્વમાં આવેલા બીલીમોરા નગરપાલિકામાં આજે પણ સ્લમ વિસ્તાર ગુલામીની જંજીરોમાં જકડાયેલો જોવા મળી રહ્યો છે. હાલ ચૂંટણીનો માહોલ ઊભો થયો છે ત્યારે મતદારોનો રોષ અહીં ભભૂકી ઉઠ્યો છે. હા આ સમાચાર છે નવસારી જિલ્લાના બીલીમોરા પાલિકાના.
છેલ્લા 30 વર્ષથી બીલીમોરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું આવ્યું છે. જોકે ભાજપની કામગીરી પર અપક્ષો આવી રહ્યા છે કે, ભાજપે એકધારું શાસન કર્યું છે. આટલા વર્ષની કામગીરી છતાં પણ આજે સ્લમ વિસ્તારમાં નળ, ગટર અને ઇન્ટર માર્ગોની માગણીઓ થઈ રહી છે. વિકાસનો દાવો અહીં ભોંયભેગો થયો હોય એવું અહીંના સ્થનિકોનું રુદન બન્યું છે.
પીવાના પાણીની સુવિધા નથી:સ્થાનિકોનું કહેવું છે કે, અહીં પીવાના પાણીની સુવિધા નથી. અહીંની મહિલાઓ બોર કરીને પાણી ભરી રહી છે. પાલિકાના પાણી કનેક્શન ન મળતાં અહીં બુમરાણ મચતી હોય છે. અહીં ગટરના પાણી ગટર ઉભરાવવાના કારણે સીધા ઘરમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગટરમાં પડી બાળકી:ગતવર્ષે બીલીમોરામાં શિપ યાર્ડ વિસ્તારમાં એક બાળકી ખુલ્લી ગટરમાં ભુંગળા પાસે પડી જતા પાણીનું વહેણ બાળકીને નદીમાં ખેંચી ગયું હતું. 24 કલાકની શોધખોળ બાદ અહી બાળકીનો મૃતદેહ અંબિકા નદીના કાંઠે મળ્યો હતો તેમ છતાં પાલિકાએ ગંભીરતા દાખવવી નથી ત્યારે આવનાર ચૂંટણીમાં પાલિકાના સત્તાધીશોના હાંજા ગગડી પણ શકે છે
નદીનું પાણી શહેરમાં:બીલીમોરા નગરને અડીને અંબિકા નદી અને કાવેરી નદી આવેલી છે. ત્યારે દર ચોમાસે અહીં ત્રણથી ચાર વાર નદીના પૂરના પાણી નીચાણવાળા વિસ્તારને પાણીમાં ગરકાવ કરી દે છે. ત્યારે ભાજપના આગેવાનો દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કર્યું છે, તેનું ગાણું ગાઈ રહ્યા છે, તેવું સ્થાનિકોનું કહેવું છે.
પાલિકાનું દેવાળું ફૂકાયું: આ સાથે શહેરની સુંદરતા વધારતા તળાવમાં પણ અપક્ષોને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. તેમનું કહેવું છે કે, સાત વર્ષ વીતી ગયા છતાં તળાવની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. કામગીરી તો પૂર્ણ નથી થઈ પણ તળાવમાં પાણી પણ રહી શકાતું નથી એટલે સીધું પાલિકાનું દેવાળું ફૂકાયું હોય એવું કહેવું સરળ છે.
નગરમાં આપતી તમામ સુવિધા પાલિકા આપવાનો પ્રયાસ કરી રહી છે. જોકે ત્રીસ વર્ષનું શાસન થયું સાથે બે નદીઓ પણ પાલિકા પાસે છે તેમ છતાં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા ગરીબોને હેરાન કરતી હોય એવી બૂમ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે, બીલીમોરા પાલિકા ગુજરાતની સૌથી વિવાદમાં આવેલ પાલિકા છે એવા વિવાદનાં બનાવો પણ ગત વર્ષોમાં થઈ ગયા છે જે ઓફ ઘ રેકોર્ડ પર રહ્યા છે.
બીલીમોરા નગરપાલિકા ચૂંટણી 2025 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 114 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા:
બીલીમોરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જ્યાં કુલ 114 ઉમેદવારો દ્વારા ફોર્મ નોંધાવવામાં આવ્યા હતા. આમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી 49, કોંગ્રેસ તરફથી 20, બહુજન સમાજ પાર્ટી (બસપ) તરફથી 2, અને 43 અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.