કચ્છ: જિલ્લાના ભુજ નખત્રાણા રોડ પર આવેલ દેવપર પાસેના સાયરા ગામ નજીક મોટાયક્ષનો ભાતીગળ લોકમેળો યોજાય છે. જે જિલ્લાનો સૌથી મોટામાં મોટો મેળો છે. આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન પણ છે, તો કચ્છનો આ મેળો સૌથી મોટો મેળો હોવાથી તેને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે અંદાજિત 17 જેટલા એકરમાં આ મેળો યોજવામાં આવે છે. જેમાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે.
અગાઉ ગાડાઓ ભરીને લોકો મેળામાં આવતા: ઈતિહાસમાં વર્ષો પહેલાં આ મેળામાં બે દિવસ ગાડાઓ ઉંચા કરી તેના અદભુત તંબુ બનાવવામાં આવતા હતા. લોકો મેળામાં આવતા એટલે જમવાનું પણ સાથે લઈને આવતા તો અહીં મેળામાં આવીને પણ ભોજન બનાવતા હતા. જેમાં મીઠા-ખારા થેપલા, પુરી, લાડવા જેવી ઘરની વાનગીઓ બનાવીને આવતા અને સગા-સંબંધીઓ એક બીજાને તંબુઓમાં મળવા આવતા અને સાથે જમતા હતા.
યક્ષ બૌતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા: એક દંતકથા મુજબ મોટાયક્ષના મેળામાં યક્ષ દાદાના સાનિધ્યમાં સગપણ-સાંતરા પણ કરવામાં આવતા હતા. મેળામાં યુવાન-યુવતી જીવનભર સાથ નિભાવવાના વચન આપતા હતા. એક સમય હતો કે જ્યારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો સવારના પરોઢે ચાર વાગે પોતાના ગાડાઓ લઈને નીકળતા અને મેળાનો લ્હાવો લેતા. અમુક ગાડાવાળા રાતવાસો કરતાં તો અમુક સાંજના પાંચ વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળતા હતા. આજુબાજુના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની ખીર અને મીઠા ભાત જેને કચ્છીમાં પહેડી કહેવામાં આવે છે તે યક્ષ દાદાને ચડાવે છે અને માનતા માનતા હોય છે. સમગ્ર કચ્છના તેમજ કચ્છ બહાર વસતા કચ્છીઓને મોટા યક્ષના યક્ષ બૌતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા છે.
અગાઉ મેળામાં વાસણ માટે બજારો ભરાતા: આ વર્ષે મોટાયક્ષનો મેળો 1283મી વખત ઉજવવામાં આવશે ઉપરાંત તેની સતત એક ધારી ઉજવણી કરવામાં આવી રહી છે, જયારે મૂળ કચ્છના અને ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂકેલા સુરેશ મહેતાના સમયમાં આ મોટાયક્ષના મેળાને કચ્છનો મોટામાં મોટો અને મીની તરણેતરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પહેલા આ મેળામાં વાસણ માટે પણ બજાર ભરાતો હતો. જેમાં માંડવી, ભુજ તેમજ અંજાર શહેરના કંસારાઓ પોતાના વાસણો લઈને આવતા જે મેળા પહેલા આઠથી દસ દિવસ તેમજ મેળો પત્યા પછી આઠથી દસ દિવસ રોકાતા, જેમા આજુબાજુના ગામડાના લોકો અહીં પોતાના જુના વાસણો જમા કરાવીને નવા વાસણોની ખરીદી કરતા. તમને જણાવી દઈએ કે, તે સમયે ગામડાઓમાં વાસણોની દુકાનો ન હતી ત્યારે આ મેળામાં લોકો વાસણોની ખરીદી કરતા હતા.