કચ્છ: કચ્છ એટલે કે કળા, કલાકાર અને કારીગરોનો હબ. અહીં દરેક પ્રકારની કળાના કામણ પાથરતા કલાકારો છે. તો કેટલાક કલાકારો માત્ર વેચાણના ઉદ્દેશ્યથી નહીં પરંતુ અન્યોને શીખવાડવા માટે તેમજ માત્ર પ્રદર્શનના ઉદ્દેશ્ય સાથે પણ કરતા હોય છે આજે આપણે વાત કરીશું ભુજના 61 વર્ષીય ભાનુબેન પરમારની કે જેઓ વિવિધ કલા કરે છે અને અન્ય દીકરીઓને શીખવાડે પણ છે. મૂળ શિક્ષક તરીકે રહી ચૂકેલા ભાનુબેન હાલે નિવૃત્ત છે પણ વિદ્યા છે તે શીખવાડવી જ જોઈએ તેમાં માને છે.
વર્ષ 1975થી તેઓ કળા સાથે સંકળાયેલા: ભુજ હાટમાં બેસતા ભાનુબેન પરમાર કે જેઓ 35 વર્ષ સુધી ભુજની માતૃછાયા શાળામાં શિક્ષિકા હતા. હાલ તેઓ નિવૃત્ત છે. તેઓ શિક્ષિકા હતા ત્યારે પણ તેઓ કળા સાથે સંકળાયેલા હતા અને હાલમાં પણ તેઓ કળા સાથે સંકળાયેલા છે. તેઓ ભરતગૂંથણ, સિલાઈ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અવનવી પ્રોડક્ટ્સ બનાવે છે. વર્ષ 1975થી તેઓ કળામાં રસ દાખવતા થયા અને વિવિધ પ્રોડક્ટ્સ બનાવતા થયા હતા.
ઉદ્યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા:ભાનુબેન પરમારે પોતે અભ્યાસમાં MA વિથ હિન્દી કર્યું છે. તેમજ વિવિધ ડિપ્લોમા કોર્સ પણ કર્યા છે. ભાનુબેન પરમાર માતૃછાયા શાળામાં આમ તો મુખ્યત્વે એક ઉદ્યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ સાથે સાથે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં તેઓ કોમ્પ્યુટર, ઇતિહાસ જેવા વિષયો પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેમના પિતાજી ક્લાસ 1 અધિકારી રહી ચૂક્યા છે અને તેઓએ કચ્છની હસ્તકલા ઉજાગર કરવા માટે પણ અનેક પ્રયત્નો કર્યા હતા.
વિવિધ પ્રોડક્ટ્સ: ભાનુબેન પરમાર નાનપણમાં માતા અને દાદી પાસેથી વેસ્ટ કપડામાંથી પેચવર્ક કરી ગોદડી બનાવવાનું શીખી શીખીને મોટા થયા છે. તેઓ આજે પર્સ, હુપ્સ, ફેશન મુજબ કપડામાં ડિઝાઇન, બોવસ, ટચ પીન્સ, ટોટે બેગ, પેચ વર્ક, ગોદડા બનાવે છે. હાલમાં યુવાનોમાં હુપ્સનો ખુબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં તેઓ પોતાના લગ્નજીવન, જન્મદિવસની તારીખો તેમજ લગ્નના દિવસના કપલ અને ચોરીનું ગૂંથણ હુપ્સમાં કરાવે છે જેમાં ખૂબ જીણવટભર્યું ગૂંથણ કરવામાં આવતું હોય છે. તેમજ વિવિધ વેસ્ટ કાપડના ટુકડામાંથી બનાવેલ રંગબેરંગી ગોદડીઓની માંગ વિદેશમાં વધુ રહેતી હોય છે તેઓ પણ તે વિવિધ પ્રકારની બનાવે છે.