ગુજરાત

gujarat

લાંચિયા અધિકારી : તલાટી અને પંચાયતના સભ્યએ માંગી લાંચ, ACB ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા - Bhuj ACB trap

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ભુજ તાલુકાના કુકમા ગામે ફરી લાંચનો મામલો સામે આવ્યો છે. આ વખતે કુકમાના સરપંચ પુત્ર અને તલાટીને લાંચ લેતા ACB એ ઝડપી પાડયા છે. નોંધનીય છે કે, વર્ષ 2021 માં સરપંચ સહિતના લોકો લાંચ લેતા ઝડપાયા હતા. જાણો સમગ્ર મામલો...

તલાટી અને પંચાયતના સભ્યએ માંગી લાંચ
તલાટી અને પંચાયતના સભ્યએ માંગી લાંચ (ETV Bharat Gujarat)

કચ્છ :ભુજ તાલુકાનું કુકમા ગામ ફરી લાંચના મામલે ચર્ચામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે વિકાસ અને અનોખા કાર્યોને કારણે ગામ ચર્ચામાં રહેતું હતું. જોકે, વર્ષ 2021 માં સરપંચ સહિતના લોકો 4 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગામમાં સતત આવા કોઈને કોઈ કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં ACB એ ફરી એ જ ગામમાં એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સફળ ટ્રેપ ગોઠવી કુકમાના સરપંચ પુત્ર અને તલાટીને લાંચ લેતા ઝડપી પાડયા છે.

બે લાંચિયા અધિકારી :એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા તેમજ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ શિવલાલ રાઠોડ તથા દાબેલીની લારી ચલાવી ધંધો કરતો નિરવ વિજય પરમાર વાળાને બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો છે. ફરીયાદીએ કુકમા સ્થિત મકાનની આકારણી દાખલ કરાવા માટે તલાટી તથા પંચાયત સભ્યનો સંપર્ક કર્યો હતો.

ACBની સફળ ટ્રેપ :ફરિયાદી પાસે આ કામ કરી આપવા માટે રૂ. 4 લાખ લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં એડવાન્સ 50 ટકા લેખે 2 લાખ આપવાનો વાયદો કરી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ACBની ટ્રેપમાં તલાટી અને સભ્ય વતી લાંચની રકમ લેતા નિરવ પરમાર અને સાથે તલાટી વાઘસિંહ વાઘેલા પણ ઝડપાઈ ગયો હતો. એસીબીના અધિકારી એલ.એસ. ચૌધરીએ સુપર વિઝન અધિકારી કે. એચ. ગોહિલની આગેવાનીમાં આ સફળ કામગીરી કરી હતી.

સરપંચની સંડોવણી અંગે તપાસ :મકાનની આકારણી દાખલ કરાવાની લાંચ બાબતમાં હાલ તલાટી તથા વચેટિયો ઝડપાઈ ગયા છે. પરંતુ પંચાયત સભ્ય અને સરપંચ પુત્ર ઉત્તમ શિવલાલ રાઠોડ હજુ પકડમાં આવ્યા નથી. ખરેખર સભ્ય જ આ મામલે સામેલ છે કે પછી સરપંચની સંડોવણી પણ છે, તે અંગે પણ તપાસમાં સામે આવી શકે છે. અગાઉ સરપંંચ વતી લાંચના મામલે પોલીસે સરપંચ સામે પણ કાર્યવાહી કરી હતી. ત્યારે આ મામલામાં સરપંચની સંડોવણી સામે આવે છે કે નહીં તપાસ બાદ સામે આવશે.

કાયદેસરની કાર્યવાહી :એસીબી દ્વારા આ છટકામાં ઝડપાયેલ તલાટીની અપ્રમાણસર મિલકતની તપાસ મહત્વની રહેશે. કેમ કે કચ્છ ઉપરાંત અન્ય સ્થળે પણ તલાટીની મિલકતો છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે. તો અગાઉ કેટલા લોકોએ આકારણી માટે કેટલા મામલામાં આવી રીતે આર્થિક વ્યવહાર કર્યો છે, તે પણ તપાસનો વિષય બની રહેશે.

  1. માળિયામાં પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માંગનારા પોલીસકર્મીને સજા
  2. 10 લાખની લાંચના કેસમાં સુરત કોર્પોરેશનના ફરાર કોર્પોરેટરની અટકાયત

ABOUT THE AUTHOR

...view details