કચ્છ: ભુજ સાયબર સેલની ટીમે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા મહાદેવ એપના ભાગીદારને પાટણથી ઝડપી પાડયો છે. દુબઈમાં મહાદેવ એપ દ્વારા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર ભરત મમુજી ચૌધરી પાટણ ખાતે વતનમાં આવ્યો હતો. જ્યાં રેન્જ DIG ચિરાગ કોરડીયાની બાતમીના આધારે ભુજ સાયબર સેલની ટીમે ભરત ચૌધરીને પાટણની યસ સોસાયટીમાંથી ઝડપી પાડયો હતો. જેના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટાની 23 ID પોલીસને મળી છે તો ફોન ચેક કરતા મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક ટર્નઓવરના 5213 કરોડના હિસાબ મળ્યા હતા.
મહાદેવ એપનો ભાગીદાર ઝડપાયો: કચ્છ સરહદી રેન્જ DIG ચિરાગ કોરડીયાને ખાનગી બાતમી મળી હતી કે, આરોપી ભરત મમુજી ચૌધરી હાલમાં દુબઈ ખાતેથી તેના વતન પાટણ ખાતે આવ્યો છે. જે સટ્ટો રમાડવા માટેની મહાદેવ એપનો ભાગીદાર છે. જેનાં મોબાઈલ ફોનમાં હાલમાં સટ્ટો રમવા માટેની ઘણી બધી ID એક્ટિવ છે. જે પાટણ શહેરમાં યશ સોસાયટીમાં છે અને તેની MG કંપનીની હેક્ટર ગાડીમાં બેસીને બહાર જવાનો છે. જેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કર્મચારીઓ તેના પર વોચ રાખી હતી.
23 ID અને 5213 કરોડના હિસાબો: પોલીસને મળેલ બાતમી મુજબ આરોપી આવતા સાયબર ક્રાઈમ બોર્ડર રેન્જ ભુજની ટીમે તેની પકડી પાડીને ચેક કરતા તેની પાસેથી મોબાઈલ ફોનમાં સટ્ટો રમાડવાની 23 ID મળી આવેલ છે તેમજ પકડાયેલ આરોપીના મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી સટ્ટા બજારના મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના હિસાબો વોટ્સએપ ગૃપમા કુલ રકમ 5213 કરોડના વાર્ષિક ટર્નઓવરના હિસાબો પણ મળી આવ્યા હતા.