ભાવનગર : ગારીયાધાર ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા શુભચિંતકોનું વિશાળ સંખ્યામાં સંમેલન પટેલ વાડી, ગારીયાધાર ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકપ્રશ્નોની વિગતથી ચર્ચા કરવામાં આવેલી હતી.સંમેલનમાં ડુંગળીના ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યાં હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગારીયાધારમાં મળેલા સંમેલનમાં ડુંગળીનો મુદ્દો : સૌરાષ્ટ્રના ખેડૂતોને હાલમાં ડુંગળીના અત્યંત ઓછા ભાવ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે નિકાસબંધી કરી હોવાના કારણે જે ખેડૂતોને લાંબા સમય પછી ખેતીમાં થોડો ફાયદો થાય તેમ હતો, તેનું સપનું રોળાઈ ગયું છે. કાં તો નિકાસબંધી ખોલી નાંખીને ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ મળવો જોઈએ અથવા તો નિકાસબંધી કરી તે પહેલાં ડુંગળીનો જે ભાવ ખેડૂતોને મળતો હતો તે ભાવે ખેડૂતોની ડુંગળી સરકાર ખરીદે તેવી ખેડૂતોની માંગણી ઊભી થયેલી છે. ખેડૂતોને કપાસના પાકમાં પણ આ વર્ષે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે.
કોંગ્રેસનો આક્ષેપ : ડૉ. મનીષ એમ. દોશી મીડીયા કન્વીનર અને પ્રવક્તા દ્વારા ભાજપ પર આક્ષેપ કરતાં જણાવાયું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિરીતિઓના કારણે આજથી 10 વર્ષ પહેલાં જે ભાવ કપાસનો હતો તે જ ભાવ કપાસનો આજે ખેડૂતોને મળી રહ્યો છે, જેની સામે ખેડૂતોને ડીઝલ, ખાતર, બિયારણ વગેરે અનેકગણું મોંઘું થયું છે. ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ હકીકતમાં ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી, પરંતુ ખેતપેદાશ માટે થતો ખર્ચ બમણો થઈ ગયો છે.
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયાં :કોંગ્રેસ પક્ષના આજના સંમેલનના સમયે જેસર તેમજ સ્થાનિક આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતાં. ગારીયાધાર ખાતેના કોંગ્રેસના આ સંમેલનમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહાવીરસિંહ, કોંગ્રેસના આગેવાન પી. એમ. ખેની, દિવ્યેશભાઈ ચાવડા તેમજ આજુબાજુના કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
- Former MLA Punjabhai Vansh : ભાજપમાં જોડાવાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ મગનું નામ મરી પાડવાથી બચ્યા
- વધુ એક દિગ્ગજ નેતાએ કર્યા કોંગ્રેસને 'રામ રામ', વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનું રાજીનામું,