ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના હસ્તક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાર જેટલા છે. ત્યારે 2017માં નિર્માણ પામેલો કુંભારવાડાનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે તોડીને ફરી નવો બનાવવાનો વારો આવ્યો છે. જો કે મહાનગરપાલિકા તેની પાછળનું કારણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોને આગળ ધર્યા છે. કેટલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભાવનગર મહાનગરપાલિકા પાસે છે.
2017માં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું લોકાર્પણ:ભાવનગર શહેરની વસ્તી અંદાજે સાત લાખ કરતા વધારે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ચાર જેટલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાયેલા છે, જે પૈકીનો કુંભારવાડા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો 2014/15માં તેનો ડીપીઆર તૈયાર કર્યા બાદ 2017 માં તૈયાર થતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 7/6/2017 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે 2024માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ફરી તોડીને નવા નિયમ મુજબ બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. માત્ર સાત વર્ષમાં પ્લાન્ટને ફરી બનાવવા પાછળના કારણને મહાનગરપાલિકાએ રજૂ કર્યો છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 2018 બાદ નોમ્સ બદલતા નિર્ણય: ભાવનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર સી સી દેવમુરારીએ જણાવ્યું હતું કે,'કુંભારવાડામાં આવેલા STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું પ્લાનિંગ 20140-15 માં ડીપીઆર બનાવીને કર્યા બાદ 2017 માં નિર્માણ પામ્યો હતો. પરંતુ ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તેના નોમ્સ બદલાતા નવા COD અને BOD રજૂ કરવામાં આવતા આ કુંભારવાડાનો STP પ્લાન્ટ ફરી અપગ્રેડ કરવાનો નિર્ણય કરાયો છે. 20 કરોડના ખર્ચે 2017માં 30 MLDનો પ્લાન્ટ તૈયાર કરાયો હતો. જો કે આપણા અન્ય ત્રણ STP પ્લાન્ટ હાલના નવા નોમ્સ પ્રમાણેના છે. કુંભારવાડાનો આ એક પ્લાન્ટ 90 થી 95 કરોડના ખર્ચે 45 MLDનો આગામી દિવસોમાં નવા નિયમ મુજબ બનાવવામાં આવશે.'