ભાવનગર: જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 14 તરીખે વહેલી સવારે વરસેલા વરસાદમાં ખેડૂતોની મગફળી તણાઈ ગઈ હતી. મગફળી વરસાદના પાણીમાં તણાઈ જતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. પરિણામે ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ યાર્ડનું તંત્ર કહે છે ફરિયાદ કોઈ છે જ નહીં. તો અંતે શું છે વાસ્તવિકતા?
14 તારીખે વહેલા આવેલા વરસાદમાં મગફળી તણાઈ: વરસાદને પગલે યાર્ડમાં લાવવામાં આવેલી મગફળી તણાવવા લાગી હતી. જોકે આ ઘટનાને લઈને યાર્ડના ચેરમેન દ્વારા પણ સ્પષ્ટતા કરાઈ છે. જ્યારે બીજી તરફ વીડિયોમાં ખેડૂતો દ્વારા પાણીમાં તણાતી મગફળીને એકઠી કરીને ફરી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવતી હોવાનું દ્રશ્યમાન થાય છે. આ ઘટનાને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં 14 તરીખે વહેલી સવારે વરસેલા વરસાદમાં ખેડૂતોની મગફળી તણાઈ ગઈ (Etv Bharat Gujarat) ખેડૂત કલ્યાણ સંગઠને કરી માંગ:ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, "14 તારીખે વહેલી સવારે આવેલા વરસાદને પગલે 6 થી 7 હજાર જેટલી ગુણી પાણીમાં ભીંજાઈ ગઈ હતી, તો કેટલીક મગફળી તણાઈ પણ ગઈ હતી. ત્યારે યાર્ડના નિયમ મુજબ જણસી નોંધાઈ ગયા પછી ખેડૂતોને નુકસાન જાય તો વળતર આપવાની જવાબદારી યાર્ડની છે. આથી વળતર ખેડૂતોને યાર્ડ દ્વારા આપવામાં આવે તેવી માંગ કરી છે."
14 તારીખે તણાયેલી મગફળીના વળતરની માંગ (Etv Bharat Gujarat) યાર્ડના તંત્રએ કહ્યું નુકશાનની ફરિયાદ નથી: મહુવાના યાર્ડમાં ખેડૂતોને મગફળી લાવવા માટેની મંજૂરી આપ્યા બાદ 14 તારીખે વહેલી સવારે આવેલા વરસાદના સમયે કેટલીક મગફળી તણાઈ હતી. જેને પગલે યાર્ડના ચેરમેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, યાર્ડમાં 14 તારીખની વહેલી સવારે 23,000 જેટલી ગુણી હતી. જેમાંથી 15 હજાર જેટલી શેડમાં હતી. જ્યારે બહાર પડેલી અંદાજે 6 થી 7 હજાર ગુણી ભીંજાઈ ગઈ છે, પરંતુ એટલું નુકસાન થયું નથી. જોકે નુકસાનની કોઈ ફરિયાદ પણ અમને મળવા પાત્ર થઈ નથી. 2 થી 3 ગુણી હતી જેની નોંધ લેવામાં આવી છે અને તેની પ્રક્રિયા કરાશે.
આ પણ વાંચો:
- 'નકલી ઘી, ભેળસેળ વાળો માવો હોય કે ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને છોડાશે નહીં' - ઋષિકેશ પટેલ
- અંતે ધાડપાડુ ગેંગ ઝડપાઈ...48 ગુના નોંધાયા છે આ ગેંગના નામે...જાણો