બેવડી ઋતુ દરમ્યાન શરીરની કાળજી લેવી જરૂરી ભાવનગર : ભાવનગર શહેરમાં બેવડી ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે મિશ્ર ઋતુની અસર મનુષ્યના શરીર ઉપર પડતી જોવા મળી રહી છે અને વાયરલ રોગોએ હાલમાં માથું ઉચક્યું છે. જેના પગલે દરેક ઘરમાં કોઈને કોઈ નાની મોટી વાયરલની સમસ્યા જોવા મળે છે. ભાવનગરમાં એક માસમાં આવેલા કેસો કેટલા છે તેમજ આ બેવડી ઋતુ દરમિયાન કઈ રીતે બચી શકાય તેના ઉપાય અહીં અમે તમને દર્શાવીશું.
કેટલા આવ્યા કેસ : ભાવનગર શહેરમાં હાલમાં બેવડી ઋતુનો પ્રારંભ થયો છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે અને રાત્રી થતાં જ શિયાળાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. મિશ્ર ઋતુ શરૂ થવાને પગલે વાયરલ રોગોએ માથું ઊંચક્યું છે.
હાલ ભાવનગર શહેરમાં જોઈએ તો 14 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. આ તમામ સેન્ટર ઉપર સવારે અને સાંજે OPD શરૂ જોવા મળે છે. આ તમામ સેન્ટર ઉપર શરદી ઉધરસના જાન્યુઆરી માસમાં 1200 જેટલા કેસો સામે આવ્યા છે, ત્યારે તાવમાં 5900 જેટલા કેસો નોંધાયા છે. પ્રથમ દ્રષ્ટિએ આ તમામ કેસ વાયરલના હોય તેમ જણાઈ રહ્યું છે... વિજય કાપડિયા (રોગચાળા નિયંત્રણ અધિકારી, ભાવનગર મનપા )
વાયરલ રોગોમાં કેવા લક્ષણો હોય છે : ભાવનગર શહેરમાં શરૂ થયેલી મિશ્ર ઋતુ ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હોળીની ગરમી લીધા બાદ શિયાળો પૂર્ણ થતો હોય છે. આમ જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના સુધી બેવડી ઋતુનો અહેસાસ લોકો કરતા હોય છે. ત્યારે આ બેવડી ઋતુમાં કેવા લક્ષણો હોય તેના વિશે હેલ્થ ઓફિસર મૌલિકભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલમાં ઠંડી અને બપોરે ગરમી હોવાથી મિશ્ર ઋતુ કહી શકાય તેના હિસાબે રોગચાળો જોવા મળતો હોય છે. અત્યારે રોગચાળામાં લક્ષણો જોઈએ તો શરદી ઉધરસ, તાવ, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, કળતર થતું જોવા મળે છે.
નાના બાળકો અને મોટી વયના લોકોએ કેમ બચવું : મિશ્ર ઋતુને પગલે રાત્રે ઠંડીને સહન કરવી પડે અને દિવસ દરમિયાન ગરમીને સહન કરવી મનુષ્ય માટે કઠિન બની જાય છે. પરંતુ તેની સામે લડવા માટે મનુષ્યએ પોતાની ખાણીપીણી અને હવામાન પ્રમાણે રહેવું જરૂરી બને છે. ત્યારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર મૌલિક વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રમાણમાં જોવા જઈએ તો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ વધારે વાયરલ રોગોમાં સપડાય છે, ત્યારે આ મિશ્ર ઋતુમાં બચવા માટે વહેલી સવારે કે મોડી રાત્રે બહાર નીકળતા પહેલા ગરમ કપડા જરૂર પહેરવા જોઈએ. મિશ્ર ઋતુ દરમિયાન ઠંડા પીણા અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી ઘરમાં ગરમ અથવા તો ઉકાળેલું પાણી પીવું સારું રહે છે. જો વધુ લક્ષણો દેખાય તો નજીકના તબીબને પણ બતાવીને તપાસ કરાવી લેવી જોઈએ.
- Bhavnagar News : શું તમે પણ દિવાળી પણ અહીંથી ખરીદ્યું હતુ ઘી ? ફૂડ સેમ્પલનો રિપોર્ટ શું આવ્યો જાણી લ્યો
- Awas Yojna : આવાસ સોંપ્યાના વર્ષમાં જ સમસ્યાઓનો અંબાર, ભાવનગરના સુભાષનગર આવાસના રહીશોનો પોકાર સાંભળો