ઈઝરાયલ યુદ્ધ થાય તો હીરા ઉદ્યોગની કમર ભાંગી જાય ભાવનગરઃ સુરત બાદ હીરા માટેનું હબ ભાવનગર શહેર ગણાય છે. જો યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. ભાવનગરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોને માટે અન્ય રોજગારીની તકો પણ નથી તેમ એસોસિયેશનનું માનવું છે. હીરા વ્યવસાયની કપરી સ્થિતિ સરકાર માટે ચિંતાનો વિષય જરૂર છે.
શા માટે ભાંગી શકે છે હીરા ઉદ્યોગની કમર?: ગુજરાતમાં સુરત બાદ હીરાનું હબ ભાવનગર ગણાય છે. વર્તમાનમાં ચૂંટણીના માહોલ વચ્ચે આચાર સંહિતાને કારણે આંગડિયા પેઢીમાં રોકડીયો વ્યવહાર અટકયો છે. તેથી હીરા ઉદ્યોગને તકલીફ પડી રહી છે.
ઈઝરાયલ યુદ્ધ થાય તો હીરા ઉદ્યોગની કમર ભાંગી જાય આંતર રાષ્ટ્રીય યુદ્ધની અસરઃ યુક્રેન બાદ હવે ઈઝરાયેલના યુદ્ધના ભણકારા વચ્ચે હીરા ઉદ્યોગની કમર ભાંગવાનો ડર ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા વ્યક્ત કરાયો છે. એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1 વર્ષ પહેલાં યુક્રેન રશિયાના યુદ્ધની અસર થઈ અને મંદીના મહોલમાંથી હીરાનો વેપાર પસાર થઈ રહ્યો છે. એક સવા વરસથી મંદીનો માહોલ છે એમાં પણ અત્યારે ઈરાન ઈઝરાયલ યુદ્ધ થાય તો હીરા ઉદ્યોગ પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થશે. યુદ્ધથી ઘણા માણસોની રોજી રોટી છીનવાઈ જશે કારણ કે, વેપારીઓ ક્યાં સુધી પોતાની પૈસા કે મૂડી ઓછા કરીને વેપાર ચલાવે એને પણ બંધ કરવાની ફરજ પડશે. તેથી આ યુદ્ધ ન થાય તે અમારા માટે ફાયદાકારક છે.
શું કહે છે હીરાના વેપારી?:ભાવનગરમાં હીરાનું કારખાનું ધરાવતા અને વેપારી સતીશભાઈએ જણાવ્યું હતું કે, ખાસ કરીને નાના કારખાનાવાળાઓ જેમાં 10થી ઓછી ઘંટી હોય છે અને 20થી 70 જેટલા કારીગરોને રોજગારી મળતી હોય છે યુદ્ધની સૌથી ખરાબ અસર તેમને થશે. યુક્રેન યુદ્ધ થયું એના કારણે ઘણી મંદી આવી હતી અને લોકો બેરોજગાર બન્યા હતા હવે જો આ ઈઝરાયલ યુદ્ધ થાય તો વધારે લોકો, કારીગરો બેરોજગાર બનશે. હીરાના કારીગરો ઓછું ભણેલા હોવાને લીધે હીરા ઉદ્યોગ સિવાય તેમની પાસે બીજી કોઈ તક રહેતી નથી.
ઈઝરાયલ જેવા દેશોમાં હીરાની માંગ વધુઃ સુરત બાદ ભાવનગરમાં હીરા વ્યવસાયમાં રોજગારી મોટા પાયે પ્રાપ્ત થાય છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, ઈઝરાયલ જેવા દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય છે જેને કારણે હીરા ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં કમાણી કરે છે, પરંતુ જો ઈઝરાયલ યુદ્ધ થાય તો માંગ ઘટી જાય અને સ્થાનિક કક્ષાએ ભાવનગરમાં હીરાના કારખાનાઓ અને ઓફિસ ઉપર સીધી અસર થઈ શકે છે. આમ ઈઝરાયેલ યુદ્ધના કારણે બેરોજગારીનું પ્રમાણ મોટાપાયે વધી શકે છે.
- Business Of Diamonds : ભાવનગરમાં હીરાના કારીગરોને બેરોજગારી ઉભી થાય તે પહેલાં સરકાર મદદ કરે તેવી અપેક્ષા
- Vacation At Bhavnagar Diamond Market : આખરે એસોસિએશનની મંજૂરી વગર કેમ પડાયું મીની વેકેશન ? શું થશે અસર જાણો