ભાવનગરઃ કૉંગ્રેસના મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલ ભાવનગરના કમલેશ ચંદાણીને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. કમલેશ ચંદાણી મહા નગર પાલિકામાં કમિશ્નર સાથે લારી ધારકોની સમસ્યા બાબતે વાટાઘાટો કરતા હતા ત્યારે શહેર કૉંગ્રેસ દ્વારા તેમનો સસ્પેન્શન લેટર જાહેર કરવામાં આવ્યો. કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કરતા તેમના પત્ની અને મહિલા કૉંગ્રેસમાં પ્રમુખ એવા પ્રિયંકા ચંદાણીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ચંદાણી દંપતી મુદ્દે અત્યારે કૉંગ્રેસે લીધેલા નિર્ણયને લઈને સાપે સસુંદર ગળ્યા જેવી હાલત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કૉંગ્રેસે સસ્પેન્ડ કર્યા કમલેશ ચંદાણીનેઃ શહેર કૉંગ્રેસના પૂર્વ મહામંત્રી કમલેશ ચંદાણી ગરીબ લારી ધારકોના પ્રશ્નને લઈને મહા નગર પાલિકાના કમિશ્નર સાથે વાટાઘાટો કરતા હતા. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા તેઓ નિષ્ઠાવાન નહિ હોવાનું અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું કારણ આગળ ધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડેલિગેશનની રજૂઆત બાદ કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું. જો કે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ તેમના પત્ની પ્રિયંકા ચંદાણીએ મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. આમ કૉંગ્રેસે સિંધી સમાજના લોકપ્રશ્ને આગળ રહેતા દંપતી નેતાઓને ગુમાવ્યા છે.
ETV BHARAT સાથે કમલેશ ચંદાણીની વાતચીતઃ ETV BHARATએ કમલેશ ચંદાણીની મુલાકાત કરીને તેમના સસ્પેન્શન અને તેમના પત્નીના રાજીનામા પગલે ખાસ વાતચીત કરી છે. જેમાં કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, મેં 8 વર્ષથી કૉંગ્રેસ માટે કામ કર્યુ છે અને આજે પણ હું એક ડેલિગેશન સાથે કમિશ્નરને 700 થી 800 લોકોની સમસ્યાની રજૂઆત માટે ગયો હતો. ત્યારે જ મને આ સમાચાર મળ્યા કે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મને ખબર નહિ કે પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો? ગઈકાલે હું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સાથે આજ ઓફિસમાં સાથે હતો. જો કે આ ઘટનાથી મને કોઈ ફરક પડતો નથી હું સમાજની સેવા કરું છું અને કરતો રહીશ. એક સેવા કરનાર વ્યક્તિને કોઈના સર્ટિફિકેટની જરૂર ના હોય. ભવિષ્યમાં મારા વેપારી મિત્રો, મારું ગ્રુપ મારી સાથે જ રહેશે. તમામ લોકો આગળની જે રણનીતિ બનાવશે તે મુજબ નિર્ણય કરીશ.