ભાવનગર :આજે લાભ પાંચમ નિમિતે વણજોયું મુહૂર્ત હોવાથી ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં વ્યાપારીઓ નવા વર્ષના વ્યાપારનો શુભારંભ કર્યો હતો. દર વર્ષની પરંપરાને ભાવનગરના વ્યાપારીઓએ જાળવી રાખી છે. લાભ પાંચમના સારા ચોઘડિયામાં વેપારીઓએ દુકાન ખોલીને ભગવાનની પૂજા અર્ચના કરી હતી. મુહૂર્ત પગલે શું કહ્યું વ્યાપારીઓએ ચાલો જાણીએ...
લાભ પાંચમનું વણજોયું મુહૂર્ત :દિવાળીના દિવસે પોતાના વ્યાપાર ધંધા બંધ કર્યા બાદ વ્યાપારીઓ સારા મુહૂર્તમાં પોતાના વ્યવસાયને શરૂ કરતા હોય છે. ભાવનગર શહેરની મુખ્ય બજારમાં વ્યાપારીઓએ લાભ પાંચમ નિમિત્તે પૂજા અર્ચના કરીને નવા વર્ષના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. ભાવનગરની વોરા બજાર, દાણાપીઠ વગેરે જેવા વિસ્તારમાં વેપારીઓએ દુકાનો ખોલીને વ્યવસાયની શરૂઆત કરી હતી.
ભાવનગરના વ્યાપારીઓએ કર્યું લાભ પાંચમનું મુહૂર્ત (ETV Bharat Gujarat) નવા વર્ષના વ્યાપારની પરંપરા :ભાવનગર શહેરની વોરા બજારમાં સ્થિત સોની બજારમાં ETV BHARAT ટીમે મુલાકાત લીધી, ત્યારે લાભ પાંચમના મુહુર્તમાં વેપારીઓ દુકાનો ખોલી રહ્યા હતા. સોની પરાગભાઈ ભડીયાદ્રાએ જણાવ્યું હતું કે, લાભ પાંચમનું મુહૂર્ત વર્ષોથી સારું કહેવામાં આવે છે. આથી અમે આજે લાભ પાંચમ મુહૂર્ત હોવાથી સવારે 10 કલાક બાદ દુકાન ખોલી છે. ભગવાનને દીવા અને અગરબત્તી કરીને નવા વર્ષમાં વ્યવસાય સારો રહે તે હેતુસર પૂજા અર્ચના કરી પ્રારંભ કર્યો છે, જે દર વર્ષની પરંપરા છે.
આજનું મુહૂર્ત અને મહત્વ :લાભ પાંચમનું મહત્વ જોઈએ તો આજે લક્ષ્મીજી અને ગણપતિજીનો દિવસ માનવામાં આવે છે, તેથી લાભ પાંચમે કોઈપણ વ્યવસાયનો પ્રારંભ કરવામાં આવે તો કોઈ વિઘ્ન વગર આખું વર્ષ ધન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતા છે. ગુજરાતી સંવત 2081 ના નવા વર્ષમાં કારતક શુક્લ પક્ષને લાભ પાંચમની સવારે 10 કલાકથી ત્રણ સારા ચોઘડિયા સારું મુહૂર્ત હોવાથી વ્યાપારીઓએ દુકાન ખોલીને નવા વર્ષના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો.
- "લાભ"ની પાંચમ, ભુજમાં વેપારીઓએ કાંટાપૂજન કરીને વેપાર શરૂ કર્યો
- રજા હોવા છતાં સુરતી વેપારીઓ શુભ મુહૂર્તમાં દુકાન કેમ ખોલે છે?