ભાવનગર :અસામાજિક તત્વો અવારનવાર રોફ જમાવતા હોવાના કિસ્સા બનતા હોય છે. ભાવનગર શહેરના પ્રેસ રોડ પર મોડી રાત્રે સ્કૂટર લઈને જતા યુવાનને ઉભો રાખીને માર અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ચાર જેટલા શખ્સો વિરુદ્ધ મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
શું હતો મામલો ?ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નિલેશ વિનોદભાઈ બારૈયાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર ગત રાત્રે તેઓ મોતી તળાવથી પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે રાત્રે 10.30 કલાકે પ્રેસ રોડ પર JB ના ડેેલા પાસે તેમના પપ્પાના મિત્ર રાજેશ ઉર્ફે રાજુ ઓઠીનો છોકરો દેવો ઉભો હતો. જેને ફરિયાદીને ઉભા રાખ્યા હતા. ત્યારે દેવાની સાથે તેના મિત્ર વિજય ઉર્ફે ચોટલી, અમન ઉર્ફે ચોર અને એક અજાણ્યો શખ્સ પણ હતો.
નજીવી બાબતે કર્યો જીવલેણ હુમલો :નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી નિલેશ વિનોદભાઈ બારૈયા વધુમાં નોંધાવ્યું કે, દેવાએ મને ઉભો રાખીને થોડો સમય માટે તારૂ એક્સેસ સ્કૂટર આપ, હમણાં પાછો આવું છું તેવી માંગણી કરી હતી. આથી ફરિયાદીએ ના પાડી દેતા દેવો, વિજય ઉર્ફે ચોટલી, અમન ઉર્ફે ચોર અને અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ વિજય અને દેવાએ છરી કાઢીને ફરિયાદીને માર મારતા ડાબા હાથના પંજા પર છરીથી ઈજા થઈ હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ :આ ઉપરાંત દેવાએ જમણી આંખના નેણ ઉપર છરી વડે ઈજા કરી હતી. ફરિયાદી ઉપર હુમલો કરતા આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ જતા અને ફરિયાદીનો મિત્ર પુષ્પક મકવાણા આવી જતા તેઓને બચાવ્યા હતા. દેવાએ અને તેના મિત્રોએ જતા જતા ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ ફરિયાદીને આપી હતી. આમ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં ટ્રેક્ટર ડૂબ્યૂ, JCBથી માંડ કઢાયું બહાર
- ભાવનગરમાં રાતે દુકાનો બંધ કરાવવી યોગ્ય નથી, MLA એ IGને પત્ર લખ્યો