સુરત: નાગરિકોને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ છેલ્લા બે વર્ષથી વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવેલી મિલકતો મૂળ માલિકોને પરત આપવાના ઉમદા હેતુ સાથે સુરત પોલીસ દ્વારા આયોજિત 'તેરા તુઝ કો અર્પણ' કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના વ્યાજખોરોએ પચાવી પાડેલી 22 પીડીતોની મિલ્કતના કાગળો, દાગીના અને ગાડીઓ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી. આ પ્રસંગે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજખોરોના આતંક-ત્રાસથી બચાવવાના અભિયાનની શરૂઆત ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસે રાજ્યના ખુણે ખુણેથી વ્યાજખોરોને શોધી શોધીને કાયદાકીય કાર્યવાહી કરીને જેલના હવાલે કરી પીડીતોને ન્યાય અપાવી પોતાની નૈતિક ફરજ અદા કરી છે.
ગૃહરાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સામાજિક જીવનમાં નાગરિકોને નાની મોટી તકલીફોમાં સગા-સંબંધીઓ પાસેથી મદદ લેવાની વર્ષો જૂની પરંપરા રહી છે. પરંતુ આ માનવતાના સંબંધને લાંછન લગાડી વ્યાજખોર દાનવોએ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને વિશ્વાસઘાત કર્યો છે. જેને ડામવા ગુજરાત પોલીસે પહેલ કરી છે. પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણને ડામવાનું કાર્ય કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ઉપરાંત, નાગરિકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા આટકાવવા અને વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા માટે લોન મેળા તેમજ લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, માતા-બહેનોનું આસ્થાનું સૌથી મોટુ પ્રતિક મંગળસૂત્ર હોય છે. રાજ્યના ગરીબ નાગરિકોને ઘર, ગાડી અને દાગીના પરત આપવાની સરાહનીય કામગીરી અંતર્ગત ગત વર્ષે હજારો બહેનોને પ્રાણ સમાન પ્રિય એવા ઘરેણાં સહિત કિંમતી જણસો વ્યાજખોરો પાસેથી સ્વમાનભેર પરત અપાવવાનું કાર્ય ગુજરાત પોલીસે કર્યું છે.