વડોદરા: વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પદ્મશ્રી મનોજ જોશી, સાંસદ તેમજ ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાયા હતા. દરમિયાન બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ₹5,11,101 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર્ટ અપ સિર્નજીમાં 300થી વધુ નવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો.
CMનો યુવાનોને ખાસ મેસેજ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે. તેમણે પોતાના નાવિન્યસભર વિચારો દેશ અને દુનિયા સમક્ષ મુકી રહેલ New Age Power એવા યુવા ઉદ્યોગ સાહસિકોને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા ઉપરાંત ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું પણ જતન-સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.