બનાસકાંઠા: ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તારીખ 18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન તથા તારીખ 23 નવેમ્બર 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વાવ વિધાનસભા બેઠક માટે કુલ 3,10,681 મતદારો: બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, 'વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો નોંધાયા છે. જેમાં 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા બેઠક માટે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તારીખ 18 ઑક્ટોબરથી તારીખ 25 ઑક્ટોબર 2024 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ (Etv Bharat Gujarat) વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તારીખ 15 ઑક્ટોબર 2024 સુધીમાં 1,61,293 પુરૂષ 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. કુલ 2581 P.W.D મતદારોનો સમાવેશ થાય છે.
પત્રકાર પરિષદ (Etv Bharat Gujarat) ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે: જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 'કુલ 07 સખી મતદાન મથકો, 01 આદર્શ મતદાન મથક તથા 1-1 P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે 626 સી.યું, 634 બી.યુ અને 623 વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય રહેશે.'
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તારીખ 15/10/2024 થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
- ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- 18/10/2024
- ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 25/10/2024
- ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- 28/10/2024
- ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- 30/10/2024
- મતદાનની તારીખ:- 13/11/2024
- મત ગણતરીની તારીખ:- 23/11/2024
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- 25/11/2024
આ પણ વાંચો:
- વાવ પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો, શું વાવ બેઠક પર જામશે ત્રિપાંખી જંગ ?
- વાવ પેટા ચૂંટણીઃ જાહેરાત સાથે જ ઉમેદવારોના નામોની ચર્ચાઓ શરૂ, લોકો-નેતાઓએ શું કહ્યું?