ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: સાંસદ ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનો નારાજ

બનાસકાંઠામાં વાવની બેઠક જીતવાની આશાએ નીકળેલા સાંસદ ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનો જ નારાજ જોવા મળી રહ્યા છે.

ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનોને નારાજગી
ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનોને નારાજગી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 7:22 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠાની વાવ બેઠક જીતવાની આશાએ નીકળેલા સાંસદ ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનો જ નારાજ જોવા મળી રહ્યા છે. કાર્યકરોએ વિડીયો બનાવીને પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે,'ગેનીબેન ઠાકોરે સમાજને ટિકિટ નથી આપવાની તેવું નિવેદન આપ્યું છે. આવી અપમાન જેવી વાત ન કરવી જોઈએ.'

સમાજના ભાઈઓ જ નારાજ: બનાસકાંઠામાં વાવની બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે સાંસદ ગેનીબેન ઠાકોર સામે તેમના જ કોંગ્રેસ કાર્યકરો અને સમાજના લોકો નારાજ હોય તેવા વિડિયો સામે આવ્યા છે. બનાસની બેન બનીને લોકસભા ચૂંટણી તો જીત્યા પરંતુ વાવની પેટા ચૂંટણીમાં આ બનાસની બેન એટલે કે સાંસદ ગેનીબેન ઠાકોર સામે ક્યાંક હવે સમાજના ભાઈઓ નારાજ હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનોને નારાજગી (Etv Bharat Gujarat)

ગેનીબેન ઠાકોરે આપેલા નિવેદન પર નારાજ: સામે આવેલા વીડિયોમાં સાંસદ ગેનીબેન ઠાકોરને ઘમંડ આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું કે,'જે આ ઘમંડ છે તેના કારણે જ કદાચ કોંગ્રેસને વાવની સીટ ખોવાનો વારો આવી શકે છે. જોકે નારાજ કોંગ્રેસ કાર્યકરે કહ્યું કે,'ઠાકોર સમાજને ટિકિટ નથી આપવાની તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. તેનાથી અમે નારાજ છીએ. કારણ કે 90 હજારથી વધુ વોટ ધરાવતા ઠાકોર સમાજને ટિકિટ માંગવાનો અધિકાર છે. કોંગ્રેસ કાર્યકરે કહ્યું કે,'ટિકિટ આપવી ના આપવી તે કોંગ્રેસ મોવડી મંડળનો નિર્ણય હોઈ શકે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ટિકિટ બાબતે નિર્ણય લઈ શકે છે, પરંતુ ઠાકોર સમાજનું અપમાન થાય તેવી વાત ન કરવી જોઈએ.'

કોંગ્રેસની હાર થાય તેવું અનુમાન: હજુ તો ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે અને 13 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે, તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોરની સામે સમાજમાંથી આવતા કોંગ્રેસ કાર્યકરો જ નારાજ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જો આ જ નારાજગી રહી તો ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડે તો નવાઈ નહિ. કારણ કે વાવ મત વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને સાંસદ ખુદજો ઠાકોર સમાજમાંથી આવતા હોય અને ઠાકોર સમાજનો જ વિશ્વાસ જીતવામાં તેઓ નિષ્ફળ રહે. તો કોંગ્રેસની હાર થાય તેવું અનુમાન રાજકીય વિદ્વાનો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી: ભાજપની સેન્સ પ્રક્રિયા લોહાણા સમાજની વાડી ખાતે યોજાઈ
  2. વાવ પેટા ચૂંટણી અંગે ભાજપ-કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાની જંગ: કોણ છે ટિકિટની રેસમાં, શું છે એક્શન પ્લાન જાણો...

ABOUT THE AUTHOR

...view details