અંબાજી : બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને જલોત્રા ખાતે આજે 200 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના લાભાર્થીઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ખાસ કરીને કહી શકાય કે પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતાં. જ્યારે ખાસ કરીને અંબાજી ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મા અંબાના દર્શનાર્થે આવ્યા હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ અંબાજી નજીક કુંભારિયા ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ શક્તિ વસાહત કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના તળે કુલ 101 જેમાં અગાઉ 32 મકાનોમાં ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો અને બાકીના 68 મકાનોમાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનની હાજરીમાં પૂજા અર્ચન કરી મટકી સાથે બાળકીઓએ ગૃહ પ્રવેશ કરી આનંદની લાગણી અનુભવી હતી.
લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી : લાભાર્થીઓએ ગૃહ પ્રવેશ કરતાની સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી આનંદની લાગણી અનુભવી હતી. મોટી સંખ્યામાં આગેવાનો સાથે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં લાભાર્થીઓએ ગૃહ પ્રવેશ કર્યો હતો.
પહેલા રહેતા હતાં ઝૂંપડામાં હવે પાકા મકાન મળ્યા : ગૃહ પ્રવેશ કરતી વેળાએ લાભાર્થી મહિલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતાં અને હવે અમને પાકા મકાન મળ્યા છે જે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. સરકારે અમારી બાજુ પણ જોઈ અમને જે પાકા મકાન બનાવી આપ્યા છે. જેથી અમારું ભવિષ્ય ક્યાંકને ક્યાંક સુધર્યું છે. અમે પણ સારા મકાનમાં રહી અને સારું સારું વિચારી સારું શિક્ષણ મેળવી અમારા બાળકો પણ ભવિષ્યમાં આગળ વધશે.