ગુજરાત

gujarat

ETV Bharat / state

'જીવ આપી દઈશું પણ જમીન નહીં', બાયપાસ રોડમાં સંપાદન થયેલી જમીને ખેડૂતોને રડાવ્યા - BANASKANTHA FARMERS PROTEST

પાલનપુરના ખેડૂતો બાયપાસ રોડનો વિરોધ કરી થાકી ચૂક્યા છે. હવે રડતી આંખે કહી રહ્યા છે કે, સંઘવી સાહેબના પગ પકડવા તૈયાર છીએ. જાણો સમગ્ર મામલો...

બાયપાસ રોડમાં સંપાદનમાં જતી જમીનને લઈને ખેડૂતોની આજીજી
બાયપાસ રોડમાં સંપાદનમાં જતી જમીનને લઈને ખેડૂતોની આજીજી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 1:58 PM IST

Updated : Oct 11, 2024, 6:05 PM IST

બનાસકાંઠા :પાલનપુરમાં બની રહેલા બાયપાસ રોડમાં સંપાદન થતી જમીન મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો છે. આજે વેડંચા ગામે બેઠક કરી ખેડૂતોએ એવો હુંકાર કર્યો છે કે, તેઓ જીવ આપવા તૈયાર છે પરંતુ 100 મીટર જમીન નહીં. જો તંત્ર કે સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો ખેડૂતો પશુ અને પરિવાર સાથે રોડ પર ઉતરી આંદોલન કરવા તૈયાર થયા છે. તેમ છતાં નિરાકરણ નહીં આવે તો પોતે આત્મહત્યા કરી લેશે તેવી ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યાં છે.

પાલનપુરમાં બાયપાસ રોડનો વિરોધ :બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ પર રોજિંદી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા સરકારે બાયપાસ રોડ બનાવવાનો નિર્ણય લીધો છે. હવે આ નિર્ણયથી જગાણાથી સોનગઢ સુધી 16 ગામના 2000 જેટલા ખેડૂતોની જમીન બાયપાસ રોડમાં કપાઈ રહી છે. આ મુદ્દે 30 મીટર જ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો અગાઉ પણ રેલી અને ગામેગામ વિરોધ કરી ચૂક્યા છે. પરંતુ આજદિન સુધી ખેડૂતોની આ વેદના સરકારના કાને ના સંભળાઈ હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે.

ખેડૂતોની સમસ્યા અને માંગ :ખેડૂતો કહી રહ્યા છે કે, જો 100 મીટર જેટલી જમીન બાયપાસ રોડમાં સંપાદન થશે તો 100 જેટલા એવા ખેડૂતો છે જેવો સંપૂર્ણ જમીન વિહોણા બની જશે. આ ખેડૂતો રોડ ઉપર આવી જશે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ તેમના પાસે કોઈ જ આશરો નહીં બચે. જેથી સરકાર દ્વારા માત્ર 30 મીટર જ જમીન સંપાદન કરવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં ખેડૂતો ગામેગામથી વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતરી અને ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરશે.

બાયપાસ રોડમાં સંપાદનમાં જતી જમીનને લઈને ખેડૂતોની આજીજી (Etv Bharat Gujarat)

ખેડૂતની વેદના :માત્ર 37 ગુંઠા જમીન ધરાવતા સોનગઢ ગામના ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરી કહ્યું કે, આ બાયપાસ રોડમાં મારી પૂરેપૂરી જમીન કપાઈ જાય છે. મારી જોડે કશું જ બચતું નથી, મારા પરિવારના નિભાવ માટે પણ કોઈ જ આધાર રહેતો નથી. અમે સંઘવી સાહેબના પગ પકડ્યા, હું કલેકટરના પગ પકડવા તૈયાર છું. પરંતુ અમારી જમીન સરકાર બચાવે તેવી મારી વિનંતી છે. પોતાની વેદના વ્યક્ત કરતા ખેડૂતની આંખો ભરાઈ આવી હતી.

ઉગ્ર વિરોધ સાથે આત્મહત્યાની ચીમકી : વર્ષોથી પશુપાલન અને ખેતી કરતા વેડંચા ગામના ખેડૂતોની હાલત પણ કંઈક આવી જ છે. ત્રણ વીઘા જેટલી જમીનમાં રહેવા માટેના મકાન, પાણી માટે બોર અને પશુઓ માટે તબેલા બનાવ્યા છે. લોકો પશુપાલન કરી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, તે જમીન હવે બાયપાસમાં કપાઈ જાય તેવી સ્થિતિ છે. ઘર-ધંધો અને જમીન બધું જ બાયપાસ રોડમાં ખતમ થઈ જશે તેમ કહેતા મહિલા ખેડૂતોએ જણાવ્યું કે, અમે અમારા પરિવાર સાથે આ બાયપાસ રોડનો સખત વિરોધ કરીશું. અમે મરવા માટે પણ તૈયાર છીએ, કારણ કે અમારા પાસે પછી કશું જ નહીં બચે.

ખેડૂતોની માંગણી અધ્ધરતાલ રહી : છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો પોતાની જમીન બચાવવા કલેકટર કચેરી, ગાંધીનગર, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત છેક મુખ્યમંત્રીની ઓફિસ સુધી ધક્કા ખાઈ પોતાની રજૂઆત કરી ચૂક્યા છે. સરકાર અને મંત્રીઓએ યોગ્ય નિર્ણય લેવાની વાતો તો કરી છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોની માંગણીઓ અધ્ધરતાલ જ રહી છે. બીજી તરફ બાયપાસ રોડ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતો રાત-દિવસ પોતાની જમીન બચાવવા મથામણ કરી રહ્યા છે.

  1. Eeco zone કાયદાનો વિરોધ, માધવપુરમાં ખેડૂતોનું સંમેલન
  2. વાપીના આ વ્યક્તિનો રોડ પર ખાડાને લઈને અનોખો વિરોધ
Last Updated : Oct 11, 2024, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details