આણંદ : આણંદની સુંદલપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને લાત મારવાના મામલે ખાતાકીય તપાસ શરુ થઇ હતી. શાળાના આચાર્યએ બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને છાતીમાં લાત મારી હોવાનો બનાવ સામે આવ્યો હતો. સુંદલપુરાના આચાર્ય દ્વારા ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીને છાતીના ભાગે લાત મારતાં વિદ્યાર્થીને તબીબી સારવાર લેવાનો વારો આવ્યો હતો.
છાતીમાં લાત મારી : આચાર્ય હીરેન બ્રહ્મભટ્ટ દ્વારા 11 વર્ષીય બાળકને કોઇ પણ કારણ વિના છાતીમાં લાત મારી હોવાને લઇને બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જોકે આચાર્યએ બચાવ કર્યો હતો કે બાળકને પગ અડકી ગયો હતો. તેઓ જ બાળકને સિટી સ્કેન માટે નડિયાદ પણ લઇ ગયાં હતાં.
તપાસના આદેશ : ઘટનાની ગંભીરતાને જોતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ કરવા સ્થળ પર પહોંચ્યાં હતાં. અધિકારી દ્વારા વાલી અને અન્ય શિક્ષકોના જવાબ લેવાયા હતાં. સમગ્ર મામલે તપાસ કરી ઉચ્ચ અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યાં છે. તપાસ અધિકારીએ આચાર્ય સાથે વાત કરવા ફોન કર્યો હતો પરંતુ હીરેન બ્રહ્મભટ્ટે ફોન ઉપાડવાની તસદી લીધી નથી. આણંદ જિલ્લામાં સરકારી શાળામાં આચાર્યનું વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન સામે ભારે રોષ પણ છે ત્યારે શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા બાદ કાર્યવાહી શરુ થતી જોવા મળી હતી.
બે દિવસ પહેલાં બની ઘટના : સુંદલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હીરેન બ્રહ્મભટ્ટને 6 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર એટલો બધો ગુસ્સો આવ્યો કે તેમણે શાળાના આચાર્ય હોવાનું ભૂલી જઈને વિધાર્થીને છાતીમાં લાત મારી દીધી. પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ અગાઉ વિદ્યાર્થીને શાળાના આચાર્ય હીરેનભાઈ દ્વારા લાત મારવામાં આવી હતી, જેને કારણે ઇજા પહોચતા ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યાંથી તેને વધુ તપાસ માટે નડિયાદ લઇ જવા ફરજ પડી હતી.
સારવારનો ખર્ચો આપવા દોડી આવ્યાં : બાળકને લેવી પડેલી ખાનગી હોસ્પિટલની સારવારનો ખર્ચ આચાર્ય પોતે આપવા દોડી આવ્યાં હતાં.જ્યાં આચાર્ય હીરેન બ્રહ્મભટ્ટે બાળકને પગ અડકી ગયો હોવાનો લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતાં. સાથે જ બાળકની તબિયત નાદુરસ્ત રહેતા ગઈકાલે આચાર્ય હીરેન બ્રહ્મભટ્ટ જ બાળકને લઈ સિટી સ્કેન માટે નડિયાદ દોડી આવ્યાં હતાં.
તાલુકા શિક્ષણ અધિકારી શાળામાં પહોંચ્યા : શિક્ષણ વિભાગમાં સમગ્ર ઘટનાનીને લઈને જિલ્લાની વડી શિક્ષણ કચેરીથી ઘટનાની ગંભીરતાને જોતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા હતાં. જેના કારણે તાલુકા શિક્ષણ અધિકારી શાળામાં પહોંચ્યા હતા અને સ્થળ પર તપાસ કરીને નિવેદનો લેવાયા હતાં.
ઉચ્ચ અધિકારીને રિપોર્ટ પણ મોકલ્યા : અધિકારી દ્વારા વાલી અને અન્ય શિક્ષકોના નિવેદનો લેવાયાં હતાં જેમાં વાલી અને અન્ય શિક્ષકોએ અધિકારી સમક્ષ જવાબ પણ રજૂ કર્યા હતાં.ં યોગ્ય તપાસ કરીને જો આચાર્ય દોષિત ઠરશે તો આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ વડી કચેરી ખાતે કરશે તેવું નિવેદન તપાસમાં આવેલ તાલુકા શિક્ષણ અધિકારી ભાવિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ કરી ઉચ્ચ અધિકારીને રિપોર્ટ પણ મોકલ્યા છે.
તપાસ દરમિયાન આચાર્ય ગેરહાજર : આચાર્ય હીરેન બ્રહ્મભટ્ટ તાલુકા કક્ષાના અધિકારી શાળામાં તપાસ કરવા આવ્યાં હોવા છતા આચાર્ય શાળામાં ગેરહાજર રહ્યા હતાં. અધિકારીઓ દ્વારા ટેલીફોનિક સંપર્ક માટે કરેલો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો અને આચાર્ય દ્વારા અધિકારીનો ફોન પણ ઉપાડવામાં આવ્યો ન હતો. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં હજુ આ ઘટના અંગે કોઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવી કોઈ પ્રક્રિયા અંગે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પણ જો આગામી દિવસોમાં આ ઘટના અંગે ઘટતી કાર્યવાહી કરી ઊદાહરણ બેસાડવામાં આવી શકે છે.
- Surat News : તમામ શાળાઓ અને હોસ્ટેલમાં મોટિવેશનલ કાર્યક્રમ થશે, આણંદના શિક્ષક સામે તપાસના આદેશ
- માણસે 6 વર્ષના છોકરાને તેની કાર સામે ઝુકાવવા માટે લાત મારી, જુઓ આ વિડીયો