મહેસાણાના કડીમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો (Etv Bharat Gujarat) મહેસાણા:જિલ્લામાં હવે સરકારી અનાજનો વેપલો જાણે સામાન્ય બની ગયો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ-ત્રણ જગ્યાએ પુરવઠા વિભાગની રેડમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં પંદર દિવસ અગાઉ 16 જુલાઈએ એક જ જગ્યાએ ત્રણ ગોડાઉનમાંથી ચોખા અને ઘઉંનો રૂ.38 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યો હતો.
મહેસાણાના કડીમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો (Etv Bharat Gujarat) 48 લાખની કિંમતનો ચોખાનો શંકાસ્પદ સરકારી જથ્થો ઝડપાયો
ગત રવિવારે (4 ઓગસ્ટ) સતલાસણામાં રેડ દરમિયાન પુરવઠા વિભાગને રૂપિયા 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યો હતો. પુરવઠા વિભાગે કડીમાં રેડ કરી 15 દિવસમાં ત્રીજી જગ્યાએથી રૂપિયા 48 લાખની કિંમતનો ચોખાનો શંકાસ્પદ સરકારી જથ્થો સીઝ કર્યો છે.
શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પોર્ટુગલ મોકલવાનું કૌભાંડ ઝડપાયું (Etv Bharat Gujarat) ચોખાનો જથ્થો વિદેશ મોકલાતો હોવાનું કૌભાંડ
મહેસાણા જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી શંકાસ્પદ સરકારી અનાજનો લાખો રૂપિયાનો જથ્થો મળ્યો છે ત્યારે ત્રીજી વખત થયેલી કાર્યવાહીમાં કડી માંથી મળેલ ચોખાનો જથ્થો વિદેશ મોકલાતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી એવા પેકિંગ મળી આવ્યા છે કે જેના પર પોર્ટુગલ ભાષામાં પ્રિન્ટ કરેલી છે. જે પેકિંગ પરથી પ્રાથમિક અંદાજ પુરવઠા વિભાગ લગાવી રહ્યું છે કે આ જથ્થો પોર્ટુગલ મોકલવામાં આવતો હશે. એટલે કે એમ કહી શકાય કે ગરીબના પેટમાં પહોંચાડવામાં આવતું સસ્તુ સરકારી અનાજ અમીરોની હવેલીમાં થઈને વિદેશ પહોંચતું હતું જેનો ડબલ ભાવમાં વેચાણ કરી અનાજ માફિયા કમાણી કરતા હતા.
ચોખાની કણકી કરી પોર્ટુગલ મોકલાતુ હોવાની આશંકા (Etv Bharat Guajrat) ક્યાંથી ઝડપાયું કૌભાંડ:કડીમાં નાની કડી વિસ્તારમાં આવેલા રાજુભાઈ મદનલાલ કેલાની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આ સમગ્ર રેડ કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન કરાયેલા દરોડામાં રૂપિયા 48 લાખ 59000 નો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. સ્થળ પર તપાસ કરતા સરકારી શંકાસ્પદ ચોખાના અનાજને કટકા કરી તેની કણકી બનાવવામાં આવતી હતી અને આ કણકી પોર્ટુગલ દેશમાં ડબલ ભાવે એક્સપોર્ટ કરાતું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જે જોતા જ પુરવઠા વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયું હતું અને મહેસાણા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાંથી ચોખાની કણકી બનાવી એક્સપોર્ટ કરવાનું એક મોટું અનાજ માફીયાઓનું કૌભાંડ પુરવઠા વિભાગે પકડી પાડ્યું છે.
પ્રાથમિક તપાસમાં ચોખાનો જથ્થો સરકારી હોવાનું જણાયું
પ્રાથમિક તપાસમાં આ ચોખા સરકારી હોવાનું જણાઈ આવે છે ત્યારે તેને લેબ ટેસ્ટ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ચોખામાંથી કણકી બનાવવાની કોઈ ફેક્ટરી ન હોવાથી માત્ર મહેસાણા જ નહીં પરંતુ પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખાનો જથ્થો અહીં લાવવામાં આવતો હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.