ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેતીનું દવાખાનું ! અમરેલી જીલ્લાના આ યુવાને ખેડૂતો માટે કર્યો એક અનોખો પ્રયાસ - AMRELI NEWS

અમરેલી જીલ્લામાં સૌ પ્રથમ ખેતીનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શું છે આ ખેતીના દવાખાનાંની વિશેષતા જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં.....

ખેતીનું દવાખાનું
ખેતીનું દવાખાનું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2024, 1:57 PM IST

અમરેલી: માનવીઓ કે પશુઓ બીમાર પડે તો તેમને દવાખાનામાં ડોક્ટરો પાસે સારવાર મળી રહેતી હોય છે. પરંતુ હવે તો ખેતીમાં પણ જમીનોની સારવાર માટે ડોક્ટરોની નવી પ્રણાલી અમરેલીમાંથી શરૂ થઈ છે. અને ખેતીનું દવાખાનું નામ આપીને ખેતીની જમીનોની સારવાર કરવાથી જમીનો વધુ ફળદ્રુપ બને અને ખેડૂતોને સીધો ખેતી ઉત્પાદનમાં ફાયદો થાય તેવા ધ્યેય સાથે ખેતીમાં થતો ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધુ મેળવવા માટે અમરેલી જીલ્લામાં સૌ પ્રથમ ખેતીનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે.

પરંપરાગત રીતે ખેતી કરવામાં આવે છે: સૌરાષ્ટ્રમાં ખેડૂત સાથે હવે ખેડૂતના પુત્ર પણ ખેતી તરફ ખુબ જ આગળ આવી રહ્યા છે. આ મૌલિક વિનુભાઈ કોટડીયા છે. જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કોબડા ગામના વતની છે. તેમની પાસે 10 વીઘા જમીન છે અને તેમાં પરંપરાગત ખેતી કરવામાં આવે છે. તેમણે સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ માટે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમણે આણંદ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર વિષય પર બેચલર ડીગ્રી મેળવી છે. બેચલર ડિગ્રી મેળવ્યા બાદ ઘણી બધી કંપનીઓનીમાં નોકરી કરી છે.

ખેતીનું દવાખાનું (Etv Bharat Gujarat)

70 હજારની નોકરી છોડી ખેતીનું દવાખાનું શરૂ કર્યું: એગ્રીકલ્ચર દવા, ખાતર અને બિયારણની અલગ અલગ રાજ્યોની ઘણી બધી કંપનીઓની અંદર કામ કર્યું છે. અને એક મહિનાનો પગાર 60 થી 70 હજાર મળતો હતો. તેમણે 70 હજારની નોકરી છોડી અને ત્યાર પછી એક નવો પ્રયાસ કર્યો છે. ખેડૂતો માટે અને ખેડૂતો સાથે રહીને કામ કરવાનો ઉમદા વિચાર આવ્યો હતો. જેથી અમરેલી શહેરના ધારી રોડ પર ખેતીનું દવાખાનું શરૂ કર્યું છે.

ખેતીનું દવાખાનું ચલાવનાર (Etv Bharat Gujarat)

સૌરાષ્ટ્ર નહિ પણ ગુજરાતનું આ પ્રથમ ખેતીનું દવાખાનું: ખેતીનું દવાખાનું નામ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે હોસ્પિટલમાં અથવા દવાખાનામાં જઈએ છીએ અને શરીરમાં શું તકલીફ છે, તેનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. તેવી જ રીતે જમીનના પણ અલગ અલગ રિપોર્ટ થાય છે અને જમીનમાં શું ઉણપ છે. એનું નિદાન કરી પિયત માટે ઉપયોગમાં લેવામાં આવતા પાણીના રીપોર્ટ કર્યા બાદ જો ખેતી કરવામાં આવે તો 100 ટકા સફળતા મળે છે. આ તમામ રિપોર્ટ પોતાના ફાર્મ ઉપર કરી આપવા માટે આ એક નવું ખેતી દવાખાનું શરૂ કર્યું છે. જે સૌરાષ્ટ્ર નહિ પણ ગુજરાતનું આ પ્રથમ ખેતીનું દવાખાનું હશે.

ખેતીનું દવાખાનું ચલાવનાર (Etv Bharat Gujarat)

જમીન સારી હોય તો ઉત્પાદન સારુ મળે છે: મૌલિકભાઈએ જણાવ્યું કે, 'ખેડૂતો માટે માઈક્રોસ્કોપિક સુવિધાથી લઈ જમીન ચકાસણી સુધીની તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. ખેડૂતને કઈ પણ વસ્તુની ક્યાંય પણ તકલીફ થાય તો તેનું નિદાન અહીં કરવામાં આવે છે. ધારો કે કોઈ પણ પાક છે એની અંદર શું તકલીફ છે એનું પ્રોપર નિંદાન આપી શકીએ. અને જમીન ચકાસણીથી શરૂઆત કરીએ તો આપણો પાયો એ જમીન છે તો જમીન જો સારી હોય ઉત્પાદન સારું મળે છે. જેમ કે માં સારી હોય તો બચ્ચા સારા થાય તો અહીંયા મુખ્ય અમારો ઉદ્દેશ એક જ છે કે ખેડૂતની જમીન કેવી રીતે સુધરે અને જમીન ઉપર અત્યારે જે પણ રોગ જીવાત આવે છે એનું સાચું નિદાન કરી અને કામ કરવામાં આવે તો ઉત્પાદન સારું મળે છે.'

ખેતીનું દવાખાનું ચલાવનાર (Etv Bharat Gujarat)

એક અનોખો પ્રયાસ: તેમણે વધુમાં જણાવ્યું કે, 'આપણા શરીરની અંદર જ્યારે આપણી ઇમ્યુનિટી પાવર ઘટતો હોય તો આપણે રોગ સામે લડી શકવા શક્ષમ નથી હોતા તેવી જ રીતે જમીનની અંદર શું ઘટે છે એ ખેડૂતને માહિતગાર કરવા, એમને કંઈક નવી દિશામાં લઈ જવા, ખર્ચાળ ખેતી ઓછી કરવા અને ખેડૂતો નાસીપાસ થતા અટકે એ માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે.'

ખેતીનું દવાખાનું ચલાવનાર (Etv Bharat Gujarat)

ખેતીનું દવાખાનું નામ કેવી રીતે પડ્યું:અત્યારે જમીનમાં રોગ તેમજ ખાતર બિયારણ એટલા બધા ખર્ચાળ થયા છે કે ખેડૂત આગળ આવી જ નથી શકતા અને મોટો ખર્ચ દવા અને ખાતરમાં ખેતીની અંદર કરતા હોય છે, પરંતુ ખેડૂત જો જમીનમાં સોઈલ ટેસ્ટ કરી, પાણી ટેસ્ટ કરી અને જમીનમાં ખર્ચ કરશે. તો આખરે વધારાના ખર્ચમાં ઘટાડો થશે. જમીન ઉપર કોઈ પણ અન્ય પ્રકારનો ખર્ચો ખેડૂત કરતા નથી અને લોકો જમીનમાં ખર્ચ કરવા ઇગ્નોર કરતા હોય છે. રાસાયણિક ખાતરો સિવાયનું બીજું કાંઈ પણ ખાતર આવે તો એને અપનાવતા નથી. તો એ અપનાવવા માટે માઈક્રોસ્કોપિક નિદાનથી લઈ અને જમીન ચકાસણી સુધીની સુવિધાઓ અમે અહીં આપીએ છીએ અને એટલા જ માટે અમે ખેતીનું દવાખાનું એવું નામ આપ્યું છે.

ખડૂતોમાં જાગૃકતા ફેલાવવાનો પ્રયાસ: આ ખેતીનું દવાખાનું તૈયાર કરવા માટે 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં હજુ ઘનજીવમૃત અને અન્ય ખેતીમાં ઉપયોગમાં આવતા ઓર્ગેનિક ખાતર અને અન્ય લેબ ટેસ્ટ વિકસાવવામાં આવશે. મૌલિકભાઈએ જણાવ્યું કે હાલ આ શરૂઆત છે, માટે 25 હજાર રૂપિયા હાલ આવક મળી રહે છે. આગામી સમયમાં જેમ ખેડૂતને ખબર પડશે. તેમ વધુ આવક થશે. હાલ લેબ ટેસ્ટ કે અન્ય કોઈ ટેસ્ટના ભાવ રાખવામાં આવેલા નથી. હાલ ખેડૂતમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં ભાવ નક્કી કરી નજીવા દરે ખેડૂત માટે તમામ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારે ખેતીનું દવાખાનું આગામી દિવસોમાં નવા આયમો સર કરીને જમીનો ફળદ્રુપ સાથે ખેડૂતોને સારું ઉત્પાદન મેળવવાનું યશ કલગી સમાનનું ક્ષેય ખેતીનું દવાખાનું બની રહેશે.

આ પણ વાંચો:

  1. ભુજમાં 'કચ્છ સાહિત્ય ઉત્સવ' થકી કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નો, 55 જેટલા સાહિત્યકારો-કલાકારોએ લીધો ભાગ
  2. કેમેરામાં કેદ ના થયું હોત તો કોઈ માનતું નહીંઃ નવસારીની આ સોસાયટીમાં જોવા મળ્યું દુર્લભ વનેચર

ABOUT THE AUTHOR

...view details