બનાસકાંઠા :અંબાજી ઘાટી વિસ્તાર હોવાથી અવારનવાર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર અંબાજી વિસ્તારમાં ખાનગી બસ પર પથ્થરમારો થયાની ઘટના બની છે. આ અગાઉ 13 નવેમ્બર અને 3 નવેમ્બરના રોજ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે તપાસ આરંભી હતી. વધુ એક ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
અંબાજી નજીક ખાનગી બસ પર પથ્થરમારો :આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંબાજી દર્શન માટે આવેલા મહેસાણાના દર્શનાર્થીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રીના સમયે પાનસા નજીક અસામાજિક તત્વો દ્વારા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં એક લક્ઝરી બસના આગળના કાચ પણ ફૂટી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં દર્શનાર્થીઓનો આબાદ બચાવ થયો છે. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અંબાજી નજીક ખાનગી બસ પર પથ્થરમારો (ETV Bharat Gujarat) ઘાટી વિસ્તારમાં ગંભીર બનાવોનો ભૂતકાળ :સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી લાખો માઇભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જોકે અંબાજી પહાડી અને ઘાટી વિસ્તાર હોવાથી અસામાજિક તત્વો તેનો લાભ લઈ દર્શનાર્થીઓની ગાડીઓ પર પથ્થરમારો કરતા હોય છે. અંબાજીથી આબુરોડ રોડ પર અગાઉ 13 નવેમ્બરે લઝગરી બસ પર પથ્થરમારો થયો હતો. સાથે જ 3 નવેમ્બરના રોજ પણ અન્ય વાહનો પર પથ્થરમારો થયો હતો. ફરી એકવાર આવો જ બનાવ બન્યો છે.
પોલીસ વિભાગે તપાસ શરુ કરી : દર્શનાર્થે આવેલા ભક્તોની બસ પર પથ્થરમારો કરવામાં આવતા પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચીને અસામાજિક તત્વોને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, દર્શનાર્થે આવતા લોકો અને સ્થાનિક લોકોની માંગ છે કે રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે. સાથે જ આ બાબતે પોલીસ કડક કાર્યવાહી કરે, જેથી આવા અસામાજીક તત્વોમાં ભય ફેલાય નહીંતર દર્શનાર્થીઓની સંખ્યા ઘટે તેવી પરિસ્થિતિ છે.