અંબાજીઃ કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહા મેળા બાદ મિનિ મહા કુંભ સમાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. આજથી 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી એમ 5 દિવસ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. જેના માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. ખાસ તો અંબાજી એસટી વિભાગ દ્વારા યાત્રાળુ અને ભક્તોને હાલાકી ન ભોગવવી પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરી છે.
750 એસટી બસોનું સંચાલનઃ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસ.ટી વિભાગની 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવી રહી છે. જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની 375, પાટણ જિલ્લાની 70, મહેસાણા જિલ્લાની 80, ગાંધીનગર જિલ્લાની 70 અને સાબરકાંઠા જિલ્લાની 70 અને અરવલ્લી જિલ્લાની 30 અને અમદાવાદ જિલ્લાની 55 એમ કુલ 750 બસો આ કાર્યક્રમમાં દોડશે. અંબાજી એસટી ડેપોની પણ 30 જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડશે. જેમાં દાંતા તાલુકાના ગામે ગામના લોકો આ પરિક્રમા મહોત્સવનો લાભ લઈ શકે તે માટે 30 જેટલી બસો દોડાવાશે. ગબ્બર તળેટીથી આરટીઓ ચેકપોસ્ટ સુધીનો 3 કિ.મી.ના રસ્તા પર મીની બસો પણ દોડાવવામાં આવશે. પરિક્રમા મહોત્સવ દરમિયાન તમામ યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે.