અંબાજીઃ માતાજીના ગબ્બર ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 2 દિવસ દરમિયાન અંદાજે 4,20,000 ઉપરાંત માઈ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. 3જા દિવસે પણ ભક્તોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો. આજે બ્રહ્માકુમારી દ્વારા પણ પરિક્રમાનો લાભ લેવામાં આવ્યો હતો. ભકતો, શ્રદ્ધાળુઓ અને બાળકોએ પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓએ તો અંબાજીની તમામ શૈક્ષણિક સંસ્થાના બાળકો પોતાના શિક્ષકો સાથે આ પરિક્રમા મહોત્સવમાં જોડાય તેવી અપીલ પણ કરી હતી.
2 દિવસમાં 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાંઃ અંબાજી ગબ્બર ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. પરિક્રમા મહોત્સવના 2 દિવસ દરમિયાન 4 લાખ 20 હજારથી વધુ ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો હતો. પ્રથમ દિવસે 2,10,000 જ્યારે બીજા દિવસે 2,15,000 આમ કુલ 4,20,000થી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી. 3જા દિવસે પણ ભક્તોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો.
વિવિધ મંદિરોમાં ચાલી રહ્યા છે શક્તિ યજ્ઞઃ પરિક્રમા મહોત્સવ દરમિયાન 51 શક્તિપીઠ મંદિરોમાં ઠેર ઠેર શક્તિયાગ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે. જેમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિવિધ વિધિ વિધાનથી આ યજ્ઞ યોજાઇ રહ્યા છે. જેમાં વિવિધ યજમાનો પણ સહભાગી થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભૂદેવો દ્વારા પણ મંત્રોચ્ચાર અને શાસ્ત્રો વિધિ વિધાન સાથે યજ્ઞ પૂજા પાઠ કરી અને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
આદિવાસીઓની પરંપરાગત વેશભૂષા એ આકર્ષણ જમાવ્યુંઃ અંબાજીમાં ગુજરાત ભરમાંથી ભક્તો આવે છે. જેમાં આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષા સાથે આવે છે. તેમની પરંપરાગત વેશભૂષાને ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.