અમદાવાદ:અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં વહેલી સવારે પોણા આઠથી સવા આઠ વાગ્યાની વચ્ચે એક બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. અચાનક જ બાળકીને છાતીમાં દુખાવો થવાથી તે બેન્ચ પર બેસી ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું.
ઝેબર સ્કૂલમાં બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન નામથી CBSE સ્કૂલ આવેલી છે. જ્યાં વહેલી સવારે એક ઘટના બનવા પામી હતી. તે ઘટનામાં એક આઠ વર્ષની બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ થાયુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો ગાર્ગી રાણપરા નામની ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સવારે જ્યારે શાળાએ આવી ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો, છાતીમાં દુખાવો વધુ થતાં તે બાળકી બેન્ચ પર અચાનક જ બેસી ગઈ હતી.
સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપલ શર્મિષ્ઠા સિંહા દ્વારા ઘટનાની માહિતી આપવામાં આવી છે, તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો, બાળકી જ્યારે શાળાએ આવી ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો થતાં તે ત્યાં બેન્ચ પર બેસી ગઈ હતી, બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે સ્કૂલના સ્ટાફ દ્વારા તરત જ બાળકીની સારવાર શરૂ કરવામાં આવી અને 108 એમ્બ્યુલન્સનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો.
કાર્ડીયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 108 એમ્બ્યુલન્સને આવવામાં મોડું થતું હોવાથી સ્કૂલના સ્ટાફની ગાડીમાં તેને નજીકમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કાર્ડીયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે.